Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ચૂંટણી જીતવા પુલવામા હુમલાને મંજૂરી અપાયેલ : ફારૂખ અબ્દુલ્લાની તડાપીટ

જમ્મુ : એનડીટીવી ઇંડિયાની વેબસાઈટના અહેવાલ મુજબ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન અને નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાહે કહ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ચૂંટણીમાં જિતાડવા માટે કેન્દ્ર સરકારે પુલવામા હુમલાને મંજૂરી આપી.

અબ્દુલ્લાહે રવિવારે આ આક્ષેપ કરતા કહ્યું કે કેન્દ્ર સરકારને પુલવામા હુમલા અંગે જાણકારી હતી. પરંતુ તેમણે હુમલો થવા દીધો, જેથી નરેન્દ્ર મોદી ચૂંટણી જીતી શકે.

જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સામાન્ય જનતાના વાહનવ્યવહાર પર પ્રતિબંધના વિરોધમાં એનસી દ્વારા યોજાયેલી એક બેઠકમાં તેમણે કહ્યું, આ તેમની (કેન્દ્રની) ભૂલ છે. તેમને ખબર હતી કે આ હુમલો થવાનો છે. વિસ્ફોટકો કયાંથી આવ્યા? પીએમ મોદીએ ચૂંટણી જીતવા માટે આ કારનામુ કર્યું.

અમારા પર કોઈ વાંક ન હોવા છતાં દબાણ કરવામાં આવી રહ્યું છે. આપણે એક સ્વતંત્ર દેશમાં રહીએ છીએ કે કોઈ કોલોની(સંસ્થાન) છે. તેમણે અમને બંદી બનાવી દીધા છે. કાશ્મીરમાં વધુ લોહી વહે તે પહેલાં તેમણે આ પ્રતિબંધ ઉઠાવી લેવો જોઈએ.

સૈન્યના કાફલા સુરક્ષિત રીતે પસાર થઈ શકે એ માટે સામાન્ય જનતાના વાહનવ્યવહાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જે અંતર્ગત રવિવારે અને બુધવારે આ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી સામાન્ય જનતા વાહનવ્યવહાર કરી શકશે નહીં.

(1:21 pm IST)