Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

દિલ્હીના ઈઝરાયલ દૂતાવાસના બહાર બ્લાસ્ટમાં ઈરાનનો હાથ

મોસાદને મળેલા પુરાવાના આધારે જાણકારી સામે આવી : ઈરાનની કુદ્સ ફોર્સનો હાથ હતો પરંતુ તે બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલે પ્લાન્ટ કર્યો હતો

નવી દિલ્હી, તા. : જાન્યુઆરી મહિનાના અંતમાં નવી દિલ્હી ખાતે આવેલા ઈઝરાયલના દૂતાવાસ બહાર જે વિસ્ફોટ થયો હતો તેમાં ઈરાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. ભારત સાથેની દુશ્મનાવટના કારણે ઈરાને ખૂબ ચાલાકીપૂર્વક ભારતના લોકલ મોડ્યુઅલની મદદ લીધી હતી. બોમ્બ વિસ્ફોટની તપાસમાં જોડાયેલા એનઆઈએ અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદને મળેલા પુરાવાના આધારે જાણકારી સામે આવી છે.

તપાસ એજન્સીઓને એક પત્ર મળ્યો હતો જેમાં હુમલો બે ઈરાની નાગરિકોની હત્યાનો બદલો લેવા કરવામાં આવ્યો હોવાનું લખેલું હતું. ત્યાર બાદ તપાસ એજન્સીઓએ અનેક એન્ગલથી કેસની તપાસ શરૂ કરી દીધી હતી જેમાં ઈરાનની કુદ્સ ફોર્સે હુમલો કરાવ્યો હોવાનો ખુલાસો થયો હતોએક અહેવાલ પ્રમાણે બોમ્બ વિસ્ફોટ પાછળ ઈરાનની કુદ્સ ફોર્સનો હાથ હતો પરંતુ તે બોમ્બ એક સ્થાનિક ભારતીય શિયા મોડ્યુલે પ્લાન્ટ કર્યો હતો. એટલું નહીં, જાણી જોઈને એવા પુરાવા મુકવામાં આવ્યા હતા જેથી હુમલા પાછળ આતંકવાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ (આઈએસઆઈએસ)નો હાથ હોવાની શંકા જાગે. યોજના અંતર્ગત અજાણ્યા સંગઠન જૈશ ઉલ હિંદે હુમલાની જવાબદારી પણ સ્વીકારી હતી. જો કે, આતંકવાદ વિરોધી એજન્સીઓએ હુમલો ઈરાનની કુદ્સ ફોર્સે ઈઝરાયલ વિરૂદ્ધ કર્યો હોવાનું જાણી લીધું છે.

એક અધિકારીના કહેવા પ્રમાણે વિસ્ફોટ માટે વપરાયેલા બોમ્બની તીવ્રતા વધારે નહોતી અને તેનું લક્ષ્ય લોકોને નુકસાન પહોંચાડવાનું પણ નહોતુ. કારણ કે ઈરાન કદાચ ભારત સાથેના સંબંધોમાં તણાવ લાવવા નથી ઈચ્છતું. પરંતુ સંદેશો સ્પષ્ટ હતો અને જોખમ પણ સાચુ હતું.

ઉલ્લેખનીય છે કે, ૨૯ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ઈઝરાયલના દૂતાવાસ બહાર રિમોટ કંટ્રોલવાળા ડિવાઈસની મદદથી ઓછી તીવ્રતાનો વિસ્ફોટ થયો હતો.

(8:14 pm IST)