Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

યુરોપીયન દેશમાં લોકમતથી નિર્ણય લેવાયો

સ્વિટ્ઝલેન્ડમાં હવે જાહેર સ્થળોએ બુરખો પહેરી નહિ શકાય

બુરખા પર પ્રતિબંધથી દેશમાં લોકો વચ્ચે મતભેદ વધી શકે છેઃ જનમતથી નાખુશ મુસ્લિમોની ચેતવણી

બર્ન, તા.૮: સ્વિટ્ઝર્લેન્ડમાં બુરખો પહેરવા પર ચાલી રહેલી ચર્ચા વચ્ચે રવિવારે તેના પર લોકમત એટલે કે રેફરેન્ડમ લેવાયો હતો. જનમત સંગ્રહના આધારે હવે નિર્ણય લેવાયો છે કે સ્વિટ્ઝર્લેન્ડમાં જાહેર સ્થળો પર બુરખો પહેરી શકાશે નહીં.

યુરોપીયન દેશ સ્વિટ્ઝર્લેન્ડમાં રવિવારે યોજાયેલા લોકમતમાં લોકોએ જાહેરમાં બુરખા પર પ્રતિબંધ મૂકવા માટે મતદાન કર્યું હતું. રોયટર્સના અહેવાલ મુજબ અત્યાર સુધીના પરિણામોના આધારે ૫૦ ટકાથી વધુ લોકોએ બુરખા પર પ્રતિબંધ મુકવાની તરફેણ કરી છે. અંદાજે ૫૪ ટકા મતદારોએ બુરખો, નકાબને ગેરકાયદે જાહેર કરવા મતદાન કર્યું છે. જોકે, આ જનમતથી નાખુશ સ્વિટ્ઝર્લેન્ડના મુસ્લિમોનું કહેવું છે કે દક્ષિણપંથી પક્ષો મતદારોને આકર્ષવા માટે મુસ્લિમોને દુશ્મનની જેમ રજૂ કરી રહી છે. અનેક મુસ્લિમોએ ચેતવણી આપી છે કે આ પ્રકારના પ્રતિબંધથી દેશમાં લોકો વચ્ચે મતભેદ વધી શખે છે.

સ્વિસ મતદારોએ દુકાનો, રેસ્ટોરાં અને રસ્તા પર ચહેરાને સંપૂર્ણપણે કવર કરવા સામે લોકોને પ્રતિબંધ મૂકવાની પહેલની તરફેણમાં મતદાન કર્યું હતું. જોકે, સ્વિટ્ઝર્લેન્ડની સંસદ અને દેશની સંઘીય સરકારની સાત સભ્યોની કાર્યકારી પરિષદે આ જનમત સંગ્રહ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. હકીકતમાં બુરખો જાહેર સ્થળો પર પહેરવાની છૂટ હોવી જોઈએ કે નહીં, એ વાતનો નિર્ણય કરવા માટે જનમત સંગ્રહની મદદ લેવાઈ હતી. આ બાબતે સ્વિટ્ઝર્લેન્ડની જનતાએ ૭મી માર્ચે મતદાન કર્યું હતું. આ સાથે જ દેશની પ્રત્યક્ષ લોકતાંત્રિક વ્યવસ્થામાં કેટલાક ફેરફાર અંગે પણ જનતાનો મત માગવામાં આવ્યો હતો. અગાઉ જનમત સર્વેક્ષણોએ પણ સંકેત આપ્યા હતા કે બુરખા પર પ્રતિબંધ કાયદો બની જશે.

(10:18 am IST)