Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

અમેરિકી વૈજ્ઞાનિકનો મોટો દાવો

ભારતની વેકિસને દુનિયાને કોરોનાથી બચાવી

હ્યૂસ્ટન,તા.૮: કોરોના મહામારી સામે જંગમાં ભારત વૈશ્વિક આગેવાની કરી રહ્યું છે. મદદગાર દેશો સિવાય વિશ્વના મોટા દેશોમાં પણ ભારતીય વૈજ્ઞાનિકો અને ડોકટરોની સફળતાનો ડંકો વાગી રહ્યો છે. આ સિલસિલામાં ભારતીય પ્રતિભાની પ્રશંસા કોઈ રાજદ્વારીએ નહીં પરંતુ અમેરિકાના એક વરિષ્ઠ વૈજ્ઞાનિકે કરી છે. દુનિયાની સર્વોચ્ચ સંસ્થાઓ સાથે મળીને ભારતમાં નિર્મિત કોવિડ-૧૯ રસીએ વિશ્વને દ્યાતક મહામારી થી બચાવી છે. કોરોના સામે જંગમાં ભારતના યોગદાનને ઓછુ ન આંકવુ જોઈએ, આ દાવો અમેરિકાના સર્વોચ્ચ વૈજ્ઞાનિકે એક વેબિનારમાં કર્યો છે.

મહામારી દરમિયાન દવાના ક્ષેત્રમાં વ્યાપક અનુભવ તથા જ્ઞાનને કારણે ભારતને 'ફાર્મસી ઓફ ધ વર્લ્ડ' કહેવામાં આવ્યું. વિશ્વમાં સૌથી મોટો દવા નિર્માતા દેશ ભારત છે અને વધુ સંખ્યામાં દેશોએ કોરોના વાયરસની રસી ખરીદવા માટે તેનો સંપર્ક કર્યો છે.

હ્યૂસ્ટનમાં બાયલોર કોલેજ ઓફ મેડિસનના નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન ડો. પીટર હોટેઝએ હાલમાં એક વેબિનાર દરમિયાન કહ્યું કે, એમઆરએનએની બે રસીનો વિશ્વના ઓછી મધ્યમ આવકવાળા દેશો પર પ્રભાવ ન પડત, પરંતુ ભારતની રસીએ વિશ્વને બચાવી છે અને તેના યોગદાનને ઓછુ ન આંકવુ જોઈએ.

વેબિનાર 'કોવિડ-૧૯ : વેકિસનેશન એન્ડ પોટેન્શિયલ રિટર્ન  ટૂ નોર્મલ્સી- ઇફ એન્ડ વેનમાં ડો. હોટેઝે કહ્યુ કે, કોરોના વેકિસનની રસીના વિકાસથી વાયરસ સામે લડવામાં વિશ્વને ભારતની ભેટ છે.

(10:17 am IST)