Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પૈસા નહીં રેતીની અછતના કારણે કોરોના વેકિસનના સપ્લાય પર લાગી શકે છે બ્રેક!

દુનિયામાં રેતીની અછત થઈ રહી છે કે જેનો ઉપયોગ કાચ બનાવવા માટે થાય છે : આ કાચથી કોરોના વેકિસનની બોટલ બને છે : કોરોના વાયરસ વેકિસનની શીશી (બોટલ) બનાવવાનું મુશ્કેલ થઈ શકે છે

નવી દિલ્હી,તા. ૮: એકસપર્ટ્સનું માનવું છે કે રેતીની અછતના કારણે કાચની અછત ઊભી થઈ શકે છે. કાચની અછતના કારણે કોરોના વાયરસ વેકિસનની શીશી (બોટલ) બનાવવાનું મુશ્કેલ થઈ શકે છે. આગામી ૨ વર્ષ સુધી દુનિયાના દરેક ખૂણામાં કોરોના વાયરસ વેકિસન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે પણ તેમાં બ્રેક લાગી શકે છે.

કારણકે, એકસપર્ટ્સને એવી ચિંતા સતાવી રહી છે કે દુનિયામાં રેતીની અછત થઈ રહી છે કે જેનો ઉપયોગ કાચ બનાવવા માટે થાય છે. આ કાચથી કોરોના વેકિસનની બોટલ બને છે અને આગામી ૨ વર્ષમાં ૨ અબજ વધારે કોરોના વેકિસનની બોટલની જરૂર પડશે. રેતીની અછતની અસર કોરોના વેકિસનના સપ્લાય પર જોવા મળી શકે છે.

રેતીની અછતના કારણે માત્ર કોરોના વેકિસન જ નહીં પણ સ્માર્ટફોનથી લઈને મકાન બનાવવા સુધીમાં અડચણ નડી શકે છે. પાણી બાદ સૌથી વધુ ઉપયોગમાં લેવાતો કાચો માલ રેતી છે. સંયુકત રાષ્ટ્રના પર્યાવરણ પ્રોગ્રામ સાથે જોડાયેલા એક વૈજ્ઞાનિકના જણાવ્યા મુજબ, હવે એ જોવાનું રહેશે કે આગામી ૧૦ વર્ષમાં શું થશે કારણકે નહીં તો રેતીના સપ્લાયની સાથે-સાથે જમીન સાથે જોડાયેલા પ્લાનિંગમાં પણ અડચણ આવશે.

UNEPના મુજબ, દર વર્ષે ૪૦-૫૦ અબજ મેટ્રિક ટન રેતીનો ઉપયોગ માત્ર નિર્માણના ક્ષેત્રમાં કરવામાં આવે છે. જે આજથી ૨૦ વર્ષ પહેલાની સરખામણીમાં ૩૦૦% વધારે છે. રેતીના ખનનથી પર્યાવરણને થતાં નુકસાનના કારણે હવે વૈજ્ઞાનિક જવાળામુખીની રાખ, કૃષિ કચરો, કોલસામાંથી નીકળતી ફ્લાય રાખના ઉપયોગ પર પણ રિસર્ચ કરવામાં આવી રહ્યું છે.

(10:17 am IST)