Gujarati News

Gujarati News

News of Friday, 8th March 2019

સાતથી આઠ ચરણમાં થઇ શકે છે લોકસભા ચૂંટણી

ટૂંક સમયમાં થશે જાહેરાતઃ પાંચ રાજ્યોમાં ચૂંટણીની પણ થઇ શકે છે જાહેરાત

નવી દિલ્હી તા.૮: ચૂંટણીપંચ ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખોની ઘોષણા કરવાનું છે. એપ્રિલ-મે માં સાતથી આઠ ચરણોમાં ચૂંટણી પુરી થઇ શકે છે. સૂત્રોએ ગુરૂવારે આ માહિતી આપી હીત. તેમણે જણાવ્યું છે કે ચૂંટણી પંચ ૧૭મી લોકસભા ચૂંટણીની તેૈયારીઓ પુરી કરવાના અંતિમ ચરણમાં છે. ચૂંટણીના વિસ્તૃત કાર્યક્રમની જાહેરાત આ સપ્તાહના અંતમાં અથવા આવતા સપ્તાહની શરૂઆત સુધીમાં થઇ શકે છે. હાલની લોકસભાનો કાર્યકાળ ૩૦ જૂને પુરો થાય છે.

આ વખતની ચૂંટણીમાં વડાપ્રધાન મોદી પોતાની સતા ટકાવી રાખવાના પ્રયાસો કરી રહયા છે અને કેટલાક વિરોધ પક્ષોએ સત્તાધારી ભાજપાને ટક્કર આપવા ગઠબંધન બનાવ્યું છે. ચૂંટણીની તારીખોની જાહેરાત પછી આવતા અઠવાડિયે પહેલા અને બીજા ચરણના મતદાન માટે ચૂંટણી નિરિક્ષકોની બેઠક થશે.

ચૂંટણી પંચના એક ઉચ્ચ અધિકારીએ કહયું કે પંચ કોઇ પણ દિવસે તારીખોની જાહેરાત કરવા માટે તેૈયાર છે. આ સપ્તાહનાં અંત સુધીમાં અથવા મંગળવાર સુધીમાં તારીખોની જાહેરાત થઇ શકે છે. સૂત્રો અનુસાર, પહેલા ચરણના મતદાન માટેની અધિસૂચના માર્ચના અંત સુધીમાં બહાર પડી શકે છે. અને તેનું મતદાન એપ્રિલના પહેલા સપ્તાહમાં થવાની શકયતા છે.

શકયતા એ પણ છે કે પંચ પોતાની જૂની પરંપરા પ્રમાણે આંધ્રપ્રદેશ, ઓરિસ્સા, સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણી પણ લોકસભા સાથે કરાવી શકે છે. જમ્મુ અને કાશ્મીરમાં પણ લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી પણ થઇ શકે છે. પણ ભારત-પાકિસ્તાન વચ્ચે વધેલ તંગદિલીના કારણે ઉત્પન્ન થયેલ જટીલ સુરક્ષા પરિસ્થિતિ પર તે આધારિત છે. રાજ્યની વિધાનસભા ભંગ થઇ ચુકી છે.

(3:58 pm IST)