Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પીએમ મોદીએ નામ લીધા વિના રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર:કહ્યું -કાલે કેટલાક લોકો ઉછળતા હતા :આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર છે

તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતિનો પણ ઉલ્લેખ કરતા કહ્યુ કે ઇચ્છાશક્તિથી અમે સુધારો કરી રહ્યા છીએ.

નવી દિલ્હી :સંસદના બજેટ સત્રના સાતમા દિવસે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો. આ સાથે જ રાહુલ ગાંધી પર પણ પ્રહાર કર્યા હતા.  

વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વગર તેમની પર નિશાન સાધ્યુ હતુ. પીએમ મોદીએ કહ્યુ કે કાલે કેટલાક લોકો ઉછળી રહ્યા હતા, તેમણે કહ્યુ કે કાલે કેટલાક લોકો બોલી રહ્યા હતા તો પુરી ઇકોસિસ્ટમ ઉછળી રહી હતી. કાલે ઉંઘ પણ સારી આવી હશે અને આજે તે ઉઠી પણ શક્યા નહી હોય. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો તો એમ પણ કહી રહ્યા હતા કે આ વાત થઇને.

 

પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા બે ત્રણ દાયકા અસ્થિરતાના રહ્યા છે, આજે દેશમાં સ્થિર સરકાર છે, નિર્ણય લેનારી સરકાર છે. પીએમ મોદીએ કહ્યુ કે આજે દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે. ડિઝિટલ ઇન્ડિયાની દરેક તરફ વાહ-વાહી થઇ રહી છે. એક જમાનો હતો જ્યારે નાની ટેકનોલોજી માટે દેશ પણ તરસતો હતો, તેમણે વૈશ્વિક અસ્થિરતા, યુદ્ધની સ્થિતિનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ કે ઇચ્છાશક્તિથી અમે સુધારો કરી રહ્યા છીએ. આજે રાષ્ટ્રહિતમાં નિર્ણય લેનારી સરકાર છે. આ સુધારો મજબૂરીમાં નથી કરવામાં આવ્યા.

 

પીએમ મોદીએ કહ્યુ કે સંકટના માહોલમાં દેશને જેવી રીતે સંભાળ્યુ, આખો દેશ આત્મવિશ્વાસથી ભરેલો છે, તેમણે કહ્યુ કે પડકાર વગર જીવન નથી. 140 કરોડ લોકોનું સામર્થ્ય પડકારથી ભરેલુ છે. પીએમ મોદીએ કહ્યુ કે રાષ્ટ્રપતિ દેશની બહેન બેટીઓની પ્રેરણા છે. રાષ્ટ્રપતિએ આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યુ છે. આદિવાસી સમાજમાં ગૌરવની અનુભૂતિ છે, તેમણે કહ્યુ કે રાષ્ટ્રપતિનું અભિભાષણ સંકલ્પથી સિદ્ધિ સુધીની યાત્રાની બ્લુ પ્રિન્ટ છે

  વડાપ્રધાન મોદીએ વિપક્ષી દળો પર પ્રહાર કરતા કહ્યુ કે, આજે દેશ દરેક ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યો છે. કેટલાક લોકો તેનો સ્વીકાર કરી શકતા નથી, તેમણે રિન્યૂએબલ એનર્જીમાં ચોથા નંબર પર, મોબાઇલ મેન્યૂફેક્ચરિંગમાં બીજો સૌથી મોટો દેશ બની જવાનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યુ કે આજે ખેલાડી સ્ટેટસ બતાવી રહ્યા છે. ભારતનો દુનિયામાં ડંકો વાગી રહ્યો છે. ભારત મેન્યૂફેક્ચરિંગનું હબ બની ગયુ છે. આજે દેશમાં દરેક ક્ષેત્રમાં આશા જ આશા જોવા મળી રહી છે પરંતુ કેટલાક લોકોને આ જોવા મળતુ નથી,

 તેમણે સ્ટાર્ટઅપ્સ ઝડપથી વધવાનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યુ કે આજે દેશમાં 109 યૂનિકૉર્ન બની ચુક્યા છે. પીએમ મોદીએ કહ્યુ કે કેટલાક લોકો નિરાશ છે. આ નિરાશા પણ એવી રીતે નથી આવી. એક તો જનતાનો હુકમ, વારંવાર હુકમ, તેમણે કહ્યુ કે 2014 પહેલા અર્થવ્યવસ્થા ખરાબ થઇ ગઇ હતી, મોંઘવારી ડબલ ડિઝિટમાં રહી હતી.

(8:24 pm IST)