Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

તેલંગાણાના મુખ્યમંત્રીની પુત્રીનાં પૂર્વ સીએની ધરપકડ

દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં કાર્યવાહી : ઈડી-સીબીઆઈએ કાર્યવાહી કરતાં દાવો કર્યો હતો કે સાઉથ ગ્રૂપ નામે જાણીતી એક લોબીની મિલીભગતમાં કૌભાંડ થયું

નવી દિલ્હી, તા.૮ :  તેલંગાણાના મુખ્યમંત્રી અને આગામી લોકસભાની ચૂંટણી માટે ત્રીજા મોરચાની કવાયત કરી રહેલા કે.ચંદ્રશેખર રાવ(કેસીઆર)ની પુત્રી કવિતા સાથે અગાઉ કામ કરી ચૂકેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ધરપકડ કરી લેવામાં આવી છે.

ઈડી અને સીબીઆઈએ આ કાર્યવાહી કરતાં દાવો કર્યો હતો કે સાઉથ ગ્રૂપ નામે જાણીતી એક લોબીની મિલીભગત અને લાંચ લઈને દિલ્હીની એક્સાઈઝ પોલિસીમાં સુધારા કરીને ગેરરીતિ આચરવામાં આવી હતી.

આ મામલે તપાસ એજન્સીઓએ કહ્યું કે આ ગ્રૂપમાં તેલંગાણાની સત્તારુઢ ભારત રાષ્ટ્ર સમિતિના કવિતા, આંધ્રપ્રદેશની સત્તારુઢ વાયએસઆર કોંગ્રેસના સાંસદ મગુંટા શ્રીનિવાસલુ રેડ્ડી અને અરબિંદો ફાર્માના સારથ રેડ્ડી સામેલ છે.

એજન્સીઓએ દાવો કર્યો હતો કે તે હેઠળ લાઈસન્સ ફી કાં તો માફ કરી દેવાઈ કાં ઘટાડી દેવામાં આવી હતી અને લીકર લાઈસન્સ ધારકોને અયોગ્ય લાભ અપાયો હતો. આ મામલે દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદયાને આરોપી બનાવાયા છે અને તેમની પૂછપરછ કરાઈ છે.

(7:56 pm IST)