Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પાકિસ્તાનમાં ગિલગિટથી રાવલપિંડી જઈ રહેલી બસ-કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત: 25 લોકોના મોત: અનેક ઘાયલ

ઘટના સ્થળે પોસીસ અને બચાવ કાર્યની ટીમ પહોંચી :અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરાયા

પાકિસ્તાનના ગિલગિટથી રાવલપિંડી જઈ રહેલી એક બસ અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ અકસ્માતની ઘટનામાં 25 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી મળી છે. હાલ ઘટના સ્થળે પોસીસ અને બચાવ કાર્યની ટીમ પહોંચી ગઈ છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

મળતી વિગતો મુજબ, પાકિસ્તાનના ઉત્તરી ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશમાં એક પેસેન્જર બસ કાર સાથે અથડાતાં ઓછામાં ઓછા 25 લોકોના મોત થયા છે અને અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટના અંગે સરકારી અધિકારીઓ અને પોલીસે મંગળવારે માહિતી આપી છે. ગિલગિટ-બાલ્ટિસ્તાન પ્રદેશના માહિતી પ્રધાન ફતેહુલ્લા ખાને મીડિયાને જણાવ્યું કે, પ્રદેશના કોહિસ્તાન જિલ્લામાં શતિયાલ ચેકપોસ્ટ નજીક ફુલ સ્પીડે જઈ રહેલી એક બસ એક કાર સાથે અથડાયા બાદ આ અકસ્માત સર્જાયો છે.

  અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના બની ત્યારે બસમાં ઓછામાં ઓછા 45 મુસાફરો સવાર હતા. બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને પીડિતોને નજીકની હોસ્પિટલમાં ખસેડી રહ્યા છે. પાકિસ્તાનમાં મુખ્યત્વે ખરાબ રસ્તાઓ હોવાથી રોડ અકસ્માતો વારંવાર બનતા હોય છે.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, સ્પીડ વધુ હોવાને કારણે બસ અકસ્માતનો ભોગ બની હતી કારણ કે નાના વાહનને ટક્કર માર્યા બાદ બસ ડ્રાઈવરે સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા પેસેન્જર બસ સીધી ખીણમાં પડી હતી.

(1:02 am IST)