Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

માસાંતે GST કાઉન્સિલની બેઠકઃ ટેક્ષમાં મળશે રાહત ?

સરકાર વર્તમાન ૯ દરોને બદલે GSTમાં ફકત ૩ દર રાખવા માંગે છેઃ એવામાં કુલ ત્રણ સ્લેબ ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા પર સહમતિ બનાવવા પર દબાણ થશે

નવી દિલ્હી,તા.૮:ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસ (GST)ના વર્તમાન દરો અને સ્લેબમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. સૂત્રો અનુસાર, સરકાર વર્તમાન ૯ દરોને બદલે GSTમાં ફકત ૩ દર રાખવા માંગે છે. એવામાં કુલ ત્રણ સ્લેબ ૮ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા પર સહમતિ બનાવવા પર દબાણ થશે. જો કે, આ કવાયતમાં એ વાતનું ધ્યાન રાખવામાં આવશે ક ફેરફારથી ખાણી-પીણીની ચીજવસ્તુઓ મોંઘી ન થાય. ફેબ્રુઆરીના અંતમાં GST કાઉન્સિલની બેઠક થઈ શકે છે.

સૂત્રો અનુસાર, બજેટ બાદ GST દરો નક્કી કરવાની કવાયત હાથ ધરાઈ છે. સરકાર મોટાભાગની વસ્તુઓના દરને ન્યુટ્રલ કરતા થોડા વધુ રાખવાની તરફેણમાં છે. ખાદ્ય ફુગાવાના મામલે સરકાર વિશેષ વ્યૂહરચના અપનાવી શકે છે. ખોરાક અને આવશ્યક વસ્તુઓ માટે નવો સ્લેબ બનાવવાનું પણ વિચારી શકે છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે સરકારની નીતિ અંગે સલાહ આપતી સંસ્થા, નીતિ આયોગના સભ્ય રમેશ ચંદે પણ કહ્યું હતું કે, જીએસટીના માત્ર બે સ્લેબ જ રાખવા જોઈએ. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે સ્લેબ અથવા જીએસટીના દરોમાં સતત ફેરફારની અસર બિઝનેસ પર પડે છે. તેમણે કહ્યું કે જો જરૂર પડે તો વાર્ષિક ધોરણે જીએસટી દરો બદલી શકાય.

૧ જુલાઈ ૨૦૧૭થી દેશમાં જીએસટી લાગુ થયા પછી બધા પરોક્ષ કર (વેટ, સર્વિસ ટેકસ વગેરે)નો તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જીએસટીની લાગુ થયા બાદ જીએસટીના દરમાં અનેક વખત ફેરફાર કરવામાં આવ્યા છે. હાલમાં જીએસટી હેઠળના ચાર સ્લેબ ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકા છે. આ હોવા છતાં, ઘણા ઉત્પાદનો પર જીએસટી લાગુ નથી. આ સાથે આવા પાંચ ઉત્પાદનો પણ છે જેના પર જીએસટી સહિત સેસ પણ લાગુ પડે છે. રમેશ ચંદે કહ્યું હતું કે મોટા કરવેરા સુધારા લાવવામાં શરૂઆતમાં સમસ્યા થાય છે. તેમણે કહ્યું કે મોટાભાગના દેશોમાં જીએસટી સ્થિર થવામાં સમય લાગ્યો છે. તેમણે જીએસટીના દરોમાં વારંવાર થતા ફેરફારો સામે વાંધો ઉઠાવતા કહ્યું હતું કે આનાથી સમસ્યાઓ ઉભી થાય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, મોટાભાગની વસ્તુઓનો દર ૧૮%ના સ્લેબમાં જઈ શકે છે. તમામ નીચલા સ્લેબને જોડીને માત્ર એક જ ૮% સ્લેબ બનાવવાનું વિચારતા, લકઝરી અને ડી-મેરિટ માલ માટે મહત્ત્।મ ૨૮% જાળવી રાખવામાં આવશે. જીએસટી પરની એક સમિતિએ સરકારને ફકત બે સ્લેબ રાખવાની ભલામણ કરી છે, જેમાં ૧૦ અને ૨૦ ટકા સ્લેબ છે. બિહારના નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી જીએસટી અંગેની સમિતિના વડા છે. તેમણે એ ડરને પણ નકારી કાઢ્યો કે કોઈ ઉત્પાદન પર જીએસટી દર વધારવાની વાત થઈ રહી છે. મોબાઇલ ફોન, ફાર્મા, માનવ નિર્મિત યાર્ન/કાપડ, રેડિમેડ વસ્ત્રો, ખાતરો, ફેબ્રિક અને નવીનીકરણીય ઉર્જા ઉપકરણો પાંચ અને ૧૨ ટકાના સ્લેબમાં આવે છે જેના પર ઈન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચર લાગે છે.જીએસટી બિલ, ડિજિટલ પેમેન્ટ મોડથી આપવા પર ૧ એપ્રિલથી ડિસ્કાઉન્ટ સુવિધા શરૂ થઈ શકે છે. નવી યોજના અંતર્ગત ગ્રાહકોને ૨૦ ટકા સુધીનું કેશબેક મળશે. યુપીઆઈ, ભીમ, રૂપિ કાર્ડ પર ચુકવણી પર ડિસ્કાઉન્ટ મળશે. ડિજિટલ પેમેન્ટ પર ગ્રાહકને ૨૦ જેટલા કેશબેક મળશે. ગયા વર્ષે નવેમ્બરમાં તેને જીએસટી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.

(3:29 pm IST)