Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

સરકારી સ્ટાફને મળશે આવડત મુજબનું કામ

સરકાર આંતરિક શકિત બહાર લાવશે

નવી દિલ્હી તા. ૮: સરકાર હવે પોતાના કર્મચારીઓની આવડતને ઓળખશે અને તેના અનુસાર તેમને કામ આપશે. સરકારનું માનવું છે કે ઘણી વાર આ કર્મચારીઓની યોગ્યતા અને નિષ્ણાંતતા મુજબનું ૧૦૦ ટકા કામ તેમની પાસેથી નથી લેવામાં આવતું. આના માટે સરકાર ડીપાર્ટમેન્ટલ એકઝામમાં મોટા ફેરફારો કરવા જઇ રહી છે, જેના દ્વારા કર્મચારીઓની વિશેષજ્ઞતાની પરખ કરવામાં આવશે અને જરૂર પડયે તેના મુજબ તેમની પાસેથી કામ લેવાશે. એક કમિટીનો રિપોર્ટ આવ્યા પછી સરકારે આ પહેલ કરી છે.

ઉલ્લેખનિય છે કે સાતમા પગાર પંચ પછી સરકારે લાખો કર્મચારીઓ માટે એપ્રેઝલ સીસ્ટમમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. તેના હેઠળ પ્રમોશન સંપૂર્ણપણે તેના કામના પ્રદર્શન પર આધારિત થશે. નવા નિયમ અનુસાર, આખા દેશમાં કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોમાં કામ કરનારા અધિકારીઓ અને કર્મચારીઓને સમયના હિસાબે ઓન જોબ ટ્રેનિંગ મળશે. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ બધા રાજયોના ગ્રુપ બી અને સી ના કર્મચારીઓ માટે ટ્રેનિંગ પોલિસીને સંપૂર્ણપણે લાગુ કરવાની સલાહ આપતા બધા મુખ્ય સચિવોને તે પોતાના સ્તરે લાગુ કરવાનું કહ્યું છે. ડીપાર્ટમેન્ટલ એકઝામની નવી સિસ્ટમ આવતા વર્ષથી લાગુ થઇ શકે છે. આ પરિક્ષામાં કર્મચારીઓના મજબૂત પાસાને ઓળખવાની કોશિષ કરવામાં આવશે.

(12:52 pm IST)