Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

૨૦૧૮માં પાંચ હજારથી વધુ ખેડૂતોએ કરી આત્મહત્યા

કૃષિ - કિસાન કલ્યાણ રાજ્ય મંત્રી રૂપાલાએ રાજ્યસભામાં આપી માહિતી : મહારાષ્ટ્રમાં સ્થિતિ અત્યંત ગંભીર

નવી દિલ્હી તા. ૮ : સરકારે ગઇકાલે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮માં દેશમાં કુલ ૫૭૬૩ ખેડૂતોએ આત્મહત્યા કરી જેમાંથી ૨૨૩૯ કેસ મહારાષ્ટ્રના છે. મહારાષ્ટ્રમાં સ્થિતિની ગંભીરતાને જોઇને સરકારે સમસ્યાના સમાધાન માટે દરેક પક્ષકારોની સાથે વિચાર - વિમર્શ તેજ કરી દીધા છે.

કૃષિ તેમજ કિસાન કલ્યાણ રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ રાજ્યસભામાં જણાવ્યું કે, મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટકમાં ૧૩૬૫, તેલંગાણામાં ૯૦૦, આંધ્રપ્રદેશમાં ૩૬૫, મધ્યપ્રદેશમાં ૩૦૩ અને પંજાબમાં ૨૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી તેઓએ કહ્યું કે, કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર તમામ કારગર પગલા ઉઠાવવા છતાં આત્મહત્યામાં ઘટાડો થયો નહીં જે ચિંતાની વાત છે. તેઓએ કહ્યું કે કિસાન કલ્યાણ સાથે જોડાયેલી મહારાષ્ટ્ર અને કેન્દ્ર સરકારની કારગર યોજનાઓ લાગુ છે અને ખેડૂતોની આત્મહત્યા રોકવા માટે રાજ્યમાં વ્યવસ્થિત નિગરાની તંત્ર પણ છે ત્યારબાદ પણ ખેડૂતોની સર્વાધિક આત્મહત્યા મહારાષ્ટ્રમાં થવી એ ચિંતાની વાત છે અમે સમીક્ષા કરી રહ્યા છીએ કે આવી સ્થિતિ કેમ છે.

રૂપાલાએ કિસાન કલ્યાણ માટે સરકાર દ્વારા આપેલા કારગર ઉપાયોની જાણકારી આપીને જણાવ્યું કે કિસાન સમ્માન નિધિ યોજના હેઠળ ૬.૧૧ કરોડ ખેડૂતોને ૧૨ હજાર કરોડ રૂપિયાની રકમ સીધા તેના બેંક ખાતામાં સ્થાનાંતરિત કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું કે, કૃષિ મંત્રાલયની પાસે આઠ કરોડ ખેડૂતોનો ડેટા સંરક્ષિત છે. આંકડાની મદદથી ખેડૂતોને સીધી સહાયતાની રકમ ફાળવણી કરવામાં આવે છે.

(12:51 pm IST)