Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર - અમદાવાદ દ્વારા કોરોના વાઈરસ - વૈશ્વિક સંકટ સામે અવિરત મદદ...

કેન્યાના કેતનભાઈ દયાળજી લીંબડે ચીનમાં મોકલ્યા 1,50,000 ક્લાસ 1,2,3 અને N95 માસ્ક્સ....

આજકાલ સમાચારમાં આપણને ડરાવે એવી એક જ વાત ચાલી રહી છે અને એ છે કોરોના વાયરસ. આ વાયરસ એટલો ખતરનાક છે કે દુનિયાના બધા જ દેશો આ વાયરસથી ડરી રહ્યા છે, પોતાના દેશમાં આ વાયરસ ના પ્રવેશે તેની કાળજી પણ રાખી રહ્યા છે. દુનિયાના મોટાભાગના દેશોમાં આ વાયરસથી સંક્રમિત થયેલા લોકો જોવા મળે છે.

ચીનના કોરોના વાયરસથી સમગ્ર દુનિયામાં હાહાકાર મચેલો છે. દુનિયાના દેશો કોરોના વાયરસનો ઈલાજ શોધે છે. કોરોના વાયરસ ચીનની સીમાઓને વટાવી દુનિયાના ઘણા દેશોમાં ફેલાયો રહ્યો છે. દુનિયાભરના 22થી વધુ દેશોમાં આ વાયરસના ફેલાવાથી લોકો ગ્રસીત થયા છે. ચીનના હુબેઈ પ્રાંતનું વુહાન શહેર કોરોના વાયરસનું કેન્દ્ર બની ગયું છે.

ચીનના ઓફિશિયલ સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે વુહાન શહેરમાં 24 કલાકમાં 56 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2,103 કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. તેમાં 9,618 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જેમાં 478 લોકોની સ્થિતિ ગંભીર છે. અત્યાર સુધીમાં ચીનમાં કોરોના વાઈરસને કારણે મૃત્યુ આંક 560 થયો છે અને કુલ 25,000 કેસ નોંધાયા છે.

અને ચીનનાં કોરોના વાયરસના ફેલાવાના પગલે માસ્ક અને પર્સનલ પ્રોટેક્શનના સાધનોમાં ખપત આવી છે. જેના કારણે ચીન ભારત સહિત દુનિયાભરમાંથી માસ્ક અને પર્સનલ પ્રોટેક્શનના સાધનો આયાત કરી રહ્યું છે. 

માસ્ક ઉત્પાદકોના મતે, ચીનમાં કોરોના વાઈરસના કારણે ઘણી જગ્યાએ માસ્કનું ઉત્પાદન બંધ છે. આ ઉપરાંત ત્યાં નવુંવર્ષ હોવાના કારણે રજા પણ હતી જેના કારણે ઉત્પાદન બંધ હતું. વેકેશન બાદ વાઈરસના ડરના લીધે ચીનમાં ઘણી જગ્યાએ શટડાઉનની સ્થિતિ ઊભી થઇ છે,એટલે ત્યાંના માસ્ક ઉત્પાદનને અસર થઇ હોવાથી ચીન ભારત, બાંગ્લાદેશ સહિત વિશ્વભરમાંથી માસ્ક ખરીદી રહ્યું છે.

ક્લાસ 1,2,3 અને N95 માસ્ક સહિત પર્સનલ પ્રોટેક્શનના સાધનોની ખૂબ જ જરુરીયાત છે.

 ચીનમાંથી ઉદ્દભવેલો કોરોના વાયરસ હવે દુનિયાભરમાં ફેલાઇને હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે સમાજ સેવામાં હંમેશા અગ્રેસર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, મણિનગર, અમદાવાદના આચાર્ય, વર્લ્ડ પીસ એમ્બેસડર શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની આજ્ઞાથી ચીનમાં મોટા પાયે કોરોના વાઈરસના રક્ષણ માટે સર્જીકલ માસ્ક્સ મોકલવામાં આવી રહ્યા છે. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા કાર્યકર કેતનભાઈ દયાળજી લીંબડ, રાપર - કચ્છ (હાલ: નાઈરોબી, કેન્યા) મારફતે અત્યાર સુધીમાં 1,50,000 કરતા વધુની સંખ્યામાં ઉચ્ચ ગુણવત્તાના N-95 સર્જીકલ માસ્ક્સ મોકલવામાં આવ્યા છે તેમજ વધુને વધુ માત્રામાં મોકલવામાં આવી રહ્યા છે.

વાયરસ હવે અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યો હોવાથી કોરોના વાયરસને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને આંતરરાષ્ટ્રીય સંકટ તેમજ ચિંતા ગણી તેને એક સાર્વજનિક હેલ્થ ઇમરજન્સી જાહેર કરી છે. દુનિયાભરમાં કોરોના વાયરસના હજારો સંક્રમિત દર્દીઓ જાહેર થતાં વિશ્વવાત્સલ્યમહોદધિ  આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી  સ્વામીજી મહારાજ દ્વારા અન્ય દેશોમાં પણ જરૂર જણાયે તત્કાળ બનતી મદદ પહોંચાડવા હાંકલ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વના ખૂણે ખૂણે પથરાયેલા મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના કેન્દ્રો થકી સંસ્થાનના લાખો સત્સંગીઓ દ્વારા વિશ્વ બંધુત્વની ભાવનાથી કટોકટીના સમયે કોઈપણ પ્રકારના ભેદભાવ વગર હંમેશા ઉત્કૃષ્ટ સેવા ભાવના બજાવવામાં આવે છે.

(12:13 pm IST)