Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

મમતાની જીદ સામે રાજ્યપાલને ઝુકવુ પડયું

રાજ્યપાલની ઈચ્છા ન્હોતી છતાં સીએએ-એનઆરસી વિરૂદ્ધનું પ્રવચન વાંચવું પડયું

નવી દિલ્હી, તા. ૮ :. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સામે રાજ્યના રાજ્યપાલ જગદીપ ધનખડનું કંઈ ન ચાલ્યું અને શુક્રવારે બજેટ સત્રની શરૂઆતમાં તેમણે બિલકુલ એ જ ભાષણ વાંચવુ પડયું જે રાજ્ય સરકારે તેમના માટે તૈયાર કર્યુ હતું.

ભાષણ દરમ્યાન તેમણે કહ્યુ કે અસહિષ્ણુતા, ધર્માંધતા અને નફરત દેશના નવા માપદંડ છે. ધનખડે પોતાના ભાષણમા એમ પણ કહ્યું કે અસહમતિના બધા રૂપોને અસ્વિકાર કરવા એ રાષ્ટ્રવાદના નામે નવી ફેશન બની ગઈ છે. લેખિત ભાષણ બહારનું કંઈ ન બોલવાથી સરકાર સાથે તેમની કોઈ પ્રકારની ટક્કરની શંકાને નિર્મૂળ કરી હતી.

ધનખડે ગુરૂવારે કહ્યું હતુ કે તે પોતાના અભિભાષણ દ્વારા એક ઈતિહાસ બનાવશે. તેમણે એમ પણ કહ્યું કે રાજ્યના બંધારણીય પ્રમુખ તરીકે તેમણે પોતાના સૂચનો આપ્યા હતા અને તેમને આશા હતી કે તેમના અભિભાષણમાં આ સૂચનોને સામેલ કરવામાં આવશે. નિયમ અનુસાર, બજેટ સત્ર દરમિયાન રાજ્યપાલ રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલ ભાષણ વાંચે છે, જેમા સરકારના નીતિગત નિર્ણયોનો ઉલ્લેખ હોય છે.

ધનખડે ભાષણ વાંચતા કહ્યુ 'હાલમાં આપણો દેશ મહત્વના વળાંક પર છે. આપણા બંધારણના મૂલ્ય અને મૂળભૂત સિદ્ધાંતોને પડકાર ફેંકાઈ રહ્યો છે. ખોટી માહિતીઓનો પ્રચાર સામાન્ય બાબત થઈ ગઈ છે અને બધા પ્રકારની અસહમતીઓને રદ્દ કરવાનું રાષ્ટ્રવાદના નામે ફેશન બની ગઈ છે. અસહિષ્ણુતા, કટ્ટરતા અને નફરતનું વાતાવરણ છે જે દેશના બધી ભાષાઓ, ધાર્મિક અને જાતિવાદી વિવિધતાઓને બાંધી રાખનાર તાણાવાણાને નબળો પાડી રહ્યુ છે.'

રાજ્યપાલે કહ્યું કે કોઈ મોટું પગલુ લેતા પહેલા બધા વર્ગના લોકોને વિશ્વાસમા લેવા જોઈએ. તેમણે કહ્યું 'રાજ્ય સરકાર રાષ્ટ્રીય વસ્તી રજીસ્ટર (એન.પી.આર.), એન.આર.સી. અથવા સીએએ જેવા પગલાઓના નામ પર લોકોના ભાગલાની વિરોધમાં છે.' ધનખડના અભિભાષણ દરમ્યાન તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્યોએ સીએએ અને એનઆરસી વિરોધી સંદેશવાળા ટીશર્ટ અને બેઝ પહેરેલા જોવા મળ્યા હતા. પોતાના ભાષણ પછી, ધનખડે વિધાનસભા પરિસરમાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જી અને અધ્યક્ષ બિમન બંદોપાધ્યાય સાથે મુલાકાત કરી હતી.

રાજ્યપાલે બુધવારે કહ્યુ હતુ કે તે ભાષણમાં ફેરફાર કરી શકે છે, જેની સામે સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા વ્યકત કરતા કહ્યુ હતુ કે તેઓ જાણીજોઈને સમસ્યા ઉભી કરવાની કોશિષ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતુ કે હું બંધારણને અનુકુળ કામ કરીશ અને લક્ષ્મણ રેખાને કયારેય નહી ઓળંગું.

(11:40 am IST)