Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

દિલ્હીનું સિંહાસન કોનું ? પ્રજાનો ફેંસલો EVMમાં

૧.૪૭ કરોડ મતદારો ૭૦ બેઠકો માટે ૬૦૦૦થી વધુ પોલિંગ બુથ ઉપર ૬૭૨ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે : બપોર સુધીમાં ૩૨ ટકા મતદાન : પ્રારંભે ધીમુ બપોર બાદ વેગવંતુ મતદાન થવાના એંધાણઃ દિગ્ગજ નેતાઓએ કર્યું મતદાન : સમગ્ર દેશની નજર આ ચૂંટણી ઉપર

નવી દિલ્હી તા. ૮ : ચુંટણી પંચની તમામ પ્રયત્નો છતાં દિલ્હીના મતદારો પર ખાસ અસર જોવા મળી નથી અને અત્યાર સુધીમાં મતદાન ખૂબ જ નિરશ જોવા મળ્યું. બપોર સુધીમાં ૩૨ ટકા મતદાન થયું છે જ્યારે બપોર બાદ મતદાન વેગ પકડે તેવી શકયતા છે. પરંતુ સરેરાશ ઓછું મતદાન થવાની ભીતિઓ રહેલી છે. નેતાઓ ગાજ્યા એવા મતદારો વરસ્યા નહિ.

દિલ્હી વિધાનસભાની ચૂંટણી ૨૦૨૦ માટે આજે થઇ રહેલા મતદાનનું સવારે ૧૦ વાગ્યા સુઘી બીલકુલ નિરશ જોવામાં આવી રહ્યુ હતું. પ્રથમ બે કલાકમાં મતદાન ખૂબ જ ધીમું રહ્યું છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૪.૩૩ ટકા મતદાન થયું છે. સાથે સાથે એક દુખદ ઘટના પણ બનાવા પામી છે, જેમા ૫૦ વર્ષીય ચૂંટણી અધિકારી ઉમેશકુમાર, જે ઉત્તર-પૂર્વ દિલ્હીના બાબરપુર પ્રાથમિક શાળાના મતદાન મથક પર ફરજમાં હતા તેઓ મૃત્યુ પામ્યા છે.  આ ચૂંટણી મુકાબલામાં ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ ત્રણેય પક્ષો પોતાની કિસ્મત અજમાવી રહ્યા છે. તમામ હકીકતો વચ્ચે દિલ્હીમાં નવી સરકારનાં ચયન માટે આ હસ્તિઓ દ્વારા પોતાનાં મતાઘિકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મહામહિમ - ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પોતાની પત્ની સવિતા કોવિંદ સાથે મતદાન કરવા પહોંચ્યા હતા. રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત રાજેન્દ્રપ્રસાદ કેન્દ્રીય વિદ્યાલયમાં મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે મતદાન કર્યુંં, કેજરીવાલનાં પુત્ર દ્વારા આજે પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મતદાન બાદ કેજરીવાલે કહ્યું કે, મારા પુત્રએ પ્રથમ વખત મતદાન કર્યું છે હું, તમામ યુવા મતદારોને મત આપવા બહાર આવવા વિનંતી કરુ છુંં. તમારી ભાગીદારી લોકશાહીને મજબૂત બનાવે છે.

દિલ્હીનાં ઉપરાજયપાલ અનિલ બૈજલ અને તેમની પત્ની માલા બેજલ સાથે ગ્રેટર કૈલાસના મતદાન મથક પર મત આપ્યો. આપના સીટીંગ ધારાસભ્ય અને ઉમેદવાર સૌરભ ભારદ્વાજ અહીંથી ભાજપના શિખા રાય અને કોંગ્રેસના સુખબીર પવાર સામે ચૂંટણી લડી રહ્યા છે

વિદેશ પ્રધાન ડો એસ. જયશંકરે તુગલાખ ક્રેસેન્ટ ખાતે એનડીએમસી સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ હ્યુમેનિટીઝ એજયુકેશનમાં સ્થાપિત મતદાન મથક પર પોતાનો મત આપ્યો. તે કહે છે, 'મત આપવો એ દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે.'

પૂર્વ વડા પ્રધાન ડો. મનમોહન સિંહ અને તેમની પત્ની ગુરશન સિંહે નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના નિર્માણ ભવનમાં મત આપ્યો.

કોંગ્રેસના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ નવી દિલ્હી વિધાનસભા મત વિસ્તારના નિર્માણ ભવનમાં પોતાનો મત આપ્યો છે. તેમની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા પણ હતા, જે લોધી એસ્ટેટ ખાતે પોતાનો મત આપ્યો હતો. કોંગ્રેસનાં સાંસદ રાહુલ ગાંધી ઔરંગઝેબ લેન પરના મતદાન મથક પર મત આપ્યો હતો.

કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૪૦,૦૦૦ પોલીસ, સીએપીએફના ૧૯૦ કંપનીઓ અને હોમગાર્ડના ૧૯૦૦૦ જવાનો ફરજ બજાવી રહ્યા છે. દિલ્હીનો જંગ 'આપ' જીતશે કે પછી 'કમળ' ખિલશે એનો ફેંસલો ૧૧મીએ આવી જવાનો છે તે દિવસે મતગણતરી છે.

દરેક રાજકીય પક્ષોના નેતાઓએ આજે વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી છે. આ વખતે ભાજપ - આપ - કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત ૬ રાષ્ટ્રીય પક્ષો સિવાય આમ આદમી પાર્ટી અને અન્ય રજિસ્ટર્ડ રાજયસ્તરિય પાર્ટીઓના કુલ ૬૭૨ ઉમેદવારો જેમાં ૫૯૩ પુરુષ અને ૭૯ મહિલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. જેમાં ૧૪૮ અપક્ષ ઉમેદવારો પણ સામેલ છે.

રાષ્ટ્રીય પક્ષોમાં ભાજપ અને કોંગ્રેસના ૬૬-૬૬, બસપાએ ૬૮, ભાકપા, મકપાએ ત્રણ-ત્રણ અને NCPએ પાંચ સીટો પર ઉમેદવારો ઊભા રાખ્યા છે. સૌથી વધારે ૨૮ ઉમેદવારો નવી દિલ્હી વિધાનસભા સીટ પર અને સૌથી ઓછા ચાર ઉમેદવાર પટેલ નગર વિધાનસભા સીટ પર છે. નવી દિલ્હી સીટ પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં છે.

દિલ્હીમાં રજિસ્ટર્ડ કુલ ૧૪૭૮૬૩૮૨ મતદાતાઓમાં ૮૧૦૫૨૩૬ પુરુષ, ૬૬૮૦૨૭૭ મહિલા અને ૮૬૯ અન્ય મતદાતા છે. દરેક મતદાતાઓને ફોટોવાળા મતદાન ઓળખ કાર્ડ જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીમા ૪૯૮ અનિવાસી ભારતીય અને ૧૧,૬૦૮ સર્વિસ મતદારો પણ સામેલ છે.

આજે દિલ્હી તોડી શકશે મતદાનનો રેકોર્ડ? ૧૯૭૭માં થયું હતું સૌથી વધુ ૭૧.૩% મતદાન

નવી દિલ્હી તા. ૮ : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે ૮ કલાકથી મતદાન શરૂ થયું છે. રાજકીય દળ પોત-પોતાના હિસાબથી ઓછા કે વધુ મતદાનનો અંદાજ લગાવશે. પરંતુ દિલ્હીના ચૂંટણી અધિકારીના કાર્યાલય પર તમામની નજર રહેલી છે કે આ વખતે દિલ્હી આઝાદી બાદથી થયેલી તમામ ચૂંટણીના રેકોર્ડને ધ્વસ્ત કરશે કે નહીં? જણાવવામાં આવ્યું છએ કે વધુ અને શાંતિપૂર્ણ મતદાન કરાવવા માટે આ વખતે ચૂંટણીની આ સંપૂર્ણ પ્રક્રિયામાં આશરે રેકોર્ડ ૧૨૫ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ ખર્ચના રેકોર્ડની સાથે શું મતદાનનો પણ નવો રેકોર્ડ બની શકશે?

દિલ્હી સીઈઓ ઓફિસ તરફથી જણાવવામાં આવ્યું છે કે આઝાદી બાદ દિલ્હીમાં અત્યાર સુધી રેકોર્ડ ૭૧.૩ ટકા મતદાન ૧૯૭૭માં થયું હતું. ત્યારબાદ તેનાથી વધુ મતદાન કયારેય થયું નથી. ૨૦૧૫માં મતદાન ૬૭.૨ ટકા સુધી ગયું હતું. આ તમામ વાતોને જોતા ચૂંટણી કાર્યાલયે પોતાના તરફથી ઓછામાં ઓછો ૨૦૧૫નો રેકોર્ડ તોડવાના દરેક પ્રયત્નો કર્યાં છે.

પરંતુ સીઈઓ ડો. રણવીર સિંહનું કહેવું છે કે અમે તો ઈચ્છીશું કે ૧૦૦ ટકા મતદાન થાય. પરંતુ તેમ છતાં જેટલા લોકો પોતાના મતાધિકારનો જેટલો વધુ ઉપયોગ કરી શકે. તે સારૂ રહેશે. પરંતુ જાણકારોનું કહેવું છે કે દિલ્હીમાં મતદાન ટકાવારી વધારવામાં વધુ એક સમસ્યા તે પણ છે કે હકીકતમાં ૧ કરોડ ૪૭ લાખ ૮૬ હજાર મતદાતામાંથી ૧૨ લાખ મતદાતા એવા છે, જેનું કોઈ સરનામું નથી. એટલે કે આ મતદાતા વિશે તે જાણકારી નથી કે તેમાંથી કેટલા જીવિત છે કે શિફટ થઈ ચુકયા છે.

વોટર લિસ્ટને જયારે અપડેટ કરવામાં આવી રહ્યું હતું. ત્યારે ૧૦થી ૧૨ લાખ મતદાતાની સંખ્યા આવી હતી. જેના વિશે કોઈ ચોક્કસ જાણકારી મળી શકી નથી. તેવામાં એક તરફથી જોવામાં આવે તો શનિવારે મતદાન ૧ કરોડ ૪૭ લાખ ૮૬ હજાર મતદાતા નહીં પરંતુ આશરે ૧ કરોડ ૩૫ લાખ મતદાતાનું થશે.

(3:17 pm IST)
  • પૂ. હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું ઓપરેશન પૂર્ણ : ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી : આજરોજ બપોરે વોકહાર્ટ હોસ્પિટલમાં પૂ.હરિચરણદાસજીબાપુ ઉપર થાપાનું સફળ ઓપરેશન થયાનું જાણવા મળે છે. પૂ.ગુરૂદેવની તબિયત સારી હોવાનું જણાવાયુ છે. આ ખબર મળતા ભાવિકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ છે. access_time 3:51 pm IST

  • ભાજપે દરેક બેઠક માટે ૧૮૦૦ કાર્યકરોની ફોજ મેદાનમાં ઉતારી :ભાજપે દિલ્હીની સત્તા 'આપ' પાસેથી આંચકી લેવા આબાદ રણનીતિ ઘડી છેઃ ભાજપે એક પોલીંગ બુથ પર ૧૦ - ૧૫ કાર્યકરો તૈનાત કર્યા છે, એટલું જ નહિ એક બેઠક પર ૧૮૦૦ કાર્યકરોને તૈનાત કર્યા છેઃ ભાજપે લોકોને વધુને વધુ પ્રમાણમાં મતદાન થાય તેવી અપીલ પણ કરી છેઃ ભાજપે પાયાના કાર્યકર સુધી પહોંચ લંબાવી હતી access_time 11:31 am IST

  • સીએમ કેજરીવાલનો ટવીટ્ કરી ભાજપ પર પ્રહારઃ મારી હનુમાન ભકિતનો ભાજપ મજાક ઉડાવે છે : ગઇકાલે હું હનુમાનજીના મંદિરે ગયો હતોઃ ભાજપ નેતા કહે છે મારા જવાથી મંદિર અશુધ્ધ થયુઃ આ કેવી રાજનીતી ?: ભગવાન બધાના છેઃ ભગવાન બધાને આર્શીવાદ આપે access_time 3:51 pm IST