Gujarati News

Gujarati News

News of Saturday, 8th February 2020

કોરોના ઇફેક્ટસ : પેટ્રોલની કિંમતમાં થયેલો તીવ્ર ઘટાડો

પાંચ દિવસમાં પૌણા બે રૂપિયાનો ઘટાડો થયો : પેટ્રોલની કિંમત હવે દિલ્હીમાં ૭૨.૬૮ રૂપિયા થઇ ગઇ

નવી દિલ્હી,તા. ૭ : પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં જોરદાર ઘટાડો થઇ રહ્યો  છે. ચીનમાં ભારે આતંક મચાવી રહેલા કોરોના વાયરસના કારણે લોકોની હાલત કફડી બનેલી છે. ચીનમાં વાયરસના કારણે હજુ સુધી ૬૦૦થી વધારે લોકોના મોત થઇ ગયા છે. ૩૦ હજારથી વધારે લોકોને અસર થયેલી છે. આવી સ્થિતીમાં તેની સીધી અસર પેટ્રોલ  અને ડીઝલની કિંમતમાં થઇ રહી છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ત્રણ મહિનાની નીચી સપાટી જોવા મળી રહી છે. ૧૫ દિવસના ગાળામાં જ પેટ્રોલની કિંમતમાં પૌણા બે રૂપિયા સુધીનો ઘટાડો થયો છે.

       ૨૩મી જાન્યુઆરીના દિવસે પેટ્રોલની કિંમત  ૭૪.૪૩ રૂપિયા હતી. જે હવે ઘટીને ૭૨.૬૮ રૂપિયા થઇ ગઇછે. ડીઝલની કિંમતમાં પણ આવી જ સ્થિતી જોવા મળી રહી છે. તેની કિંમતમાં રેકોર્ડ ઘટાડો થયો છે. ૨૦ દિવસના ગાળામાં પેટ્રોલની કિંમતમાં આશરે ત્રણ રૂપિયાનો ઘટાડો થયો છે. ત્રણ મહિના પહેલા સાતમી નવેમ્બરના દિવસે દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૭૨.૬૦ રૂપિયા થઇ ગઇ હતી. આઠમી નવેમ્બરના દિવસે ૭૨.૭૦ રૂપિયા હતી. ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે તેલની માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થયોછે. જેના કારણે એક મહિનાના ગાળામાં જ તેની કિંમતમાં ૩૦ ટકા  સુધીનો ઘટાડો થયો છે.

કોરોના વાયરસના કહેરના કારણે દુનિયાના ૩૦ દેશો અસરગ્રસ્ત રહ્યા છે. કિંમતોમાં હજુ વધુ ઘટાડો કરવામાં આવે તેવી શક્યતા છે. હાલમાં ચીનમાં માંગમાં ઉલ્લેખનીય ઘટાડો થઇ રહ્યો છે. આવી સ્થિતીમાં સામાન્ય લોકોને વધુ રાહત મળી શકે છે. કોરોના વાયરસ ચીનમાં જોરદાર રીતે બેકાબુ થયેલા છે ત્યારે હાલ સ્થિતિમાં ચીનમાં કોઈ સુધારો થનાર નથી. જેથી માંગ ઘટશે અને પેટ્રોલ-ડીઝલની કિંમતો પણ ઘટશે.

(12:00 am IST)