Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

તામિલનાડુમાંથી ITને મળ્યો રૂ. ૪૩૩ કરોડનો દલ્લો

ચેન્નાઇ - કોઇમ્બતુરમાં ચાલી ૯ દિવસ રેડ સરવન સ્ટોર્સ ઝપટે : કુલ ૭૨ સ્થળે તપાસ થઇ હતી

ચેન્નઇ તા. ૮ : ઈનકમ ટેકસ વિભાગે ચેન્નાઈ અને કોયંબતૂર સ્થિત સરવન સ્ટોર્સ 'બ્રામનદમઈ', રિયલ્ટી ફર્મ્સ લોટસ ગ્રુપ અને જી સ્કવેરના ઠેકાણા પર દરોડા પાડીને ૪૩૩ કરોડ રૂપિયાનું કાળુ નાણું જપ્ત કર્યું. ૯ દિવસ સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન ૨૫ કરોડ રોકડ, ૧૨ કિલો સોનું અને ૬૨૬ કેરેટના હીરા મળ્યા. ઈનકમ ટેકસ ઓફિસર્સે કંપનીની ઓફિસો સિવાય માલિકોના ઘરે પણ દરોડા પાડ્યા. બંને શહેરોના ૭૨ સ્થળોએ ૨૯ જાન્યુઆરીએ સર્ચ ઓપરેશન શરૂ થયું, જે ૬ ફેબ્રુઆરીએ પૂરૃં થયું.

સૂત્રોએ જણાવ્યું કે, ઈનકમ ટેકસ વિભાગને સરવન સ્ટોર 'બ્રામનદમઈ'ના માલિક યોગારાધિમન પોંડુરઈની બે રિયલ્ટી કંપની (જી સ્કવેર અને લોટસ કંપની) વચ્ચે ડીલિંગ વિશે જાણ થઈ હતી. પોંડુરઈએ બિનહિસાબી નાણું આ કંપનીઓમાં રોકયું હતું. દરોડા દરમિયાન સામે આવ્યું કે, ૨૮૪ કરોડની બિનહિસાબી આવક પોંડુરઈના નામે હતી જયારે ૧૪૯ કરોડ રૂપિયા બાકીની બે ફર્મ માલિકોના નામે નીકળ્યા.

ઈનકમ ટેકસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું, 'અમને સરવન સ્ટોર્સની સાથે બે કંપનીઓએ ટેકસ ચોરી કરી હોવાની બાતમી મળી હતી. સરવન સ્ટોર્સની બહુમાળી ઈમારતમાં અમે દરોડા શરૂ કર્યા એટલે સર્ચ ઓપરેશન પૂરું થવામાં આટલા દિવસ લાગ્યા.' આગામી દિવસોમાં પોંડુરઈ અને બંને કંપનીના માલિકોને પૂછપરછ માટે સમન પાઠવાશે.(૨૧.૨૯)

(3:37 pm IST)