Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

સુઝલોનનો શેર ૨૦૦૮માં રૂ. ૪૪૮ હતો આજે રૂ. ૩.૮૨

૧૦ વર્ષમાં રોકાણકારોની ૯૭ ટકા સંપત્તિનું ધોવાણ

નવી દિલ્હી તા. ૮ : એક સમયે બજારના માનીતા શેર સુઝલોનમાં ૯ જાન્યુઆરી ૨૦૦૮ની રૂ. ૪૪૮ની સર્વોચ્ચ સપાટીથી રોકાણકારોની ૯૭ ટકા સંપત્તિનું ધોવાણ થયું છે. જોકે, બે દિવસના મોટા ઘટાડા પછી શેર બુધવારે ૫.૨૩ ટકા વધીને રૂ. ૩.૮૨ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીએ જાન્યુઆરી ૨૦૧૯માં બેન્કોની લોન અને અન્ય ઋણની નિયમિત ચુકવણી કરી હોવાની સ્પષ્ટતા પછી સેન્ટિમેન્ટમાં સુધારો નોંધાયો હતો.

મંગળવારે શેર ઇન્ટ્રા-ડે ૪૩ ટકા તૂટ્યા પછી ૨૩.૨૬ ટકાના ઘટાડા સાથે રૂ. ૩.૬૩ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીએ એકસચેન્જને જણાવ્યું હતું કે, કંપની પ્રમોટર્સના કોઈ શેર જપ્ત કરાયા નથી. કંપનીનું માર્કેટ-કેપ ૫ ફેબ્રુઆરી ૨૦૧૯ના રોજ ઘટીને રૂ. ૧,૯૩૧ કરોડ થયું છે, જે ૯ જાન્યુઆરી ૨૦૦૮ના રોજ રૂ. ૬૭,૧૧૦ કરોડ હતું.

સુઝલોને છેલ્લાં ૧૦માંથી ૬ વર્ષ ખોટ કરી છે. માર્ચ ૨૦૧૮માં પૂરા થયેલા વર્ષે સુઝલોનની ચોખ્ખી ખોટ રૂ. ૩૮૯.૨૦ કરોડ રહી છે, જે ૨૦૧૬-'૧૭ અને ૨૦૧૫-'૧૬માં અનુક્રમે રૂ. ૮૯૯.૯૦ કરોડ અને રૂ. ૫૯૪.૭૦ કરોડનો નફો હતો. સુઝલોને ૨૦૧૪-'૧૫માં રૂ. ૯,૧૩૩ કરોડ, ૨૦૧૩-'૧૪માં રૂ. ૩,૫૪૮ કરોડ, ૨૦૧૨-'૧૩માં રૂ. ૪,૭૩૨ કરોડ, ૨૦૧૧-'૧૨માં રૂ. ૪૭૨ કરોડ, ૨૦૧૦-'૧૧માં રૂ. ૧,૩૧૬ કરોડ અને ૨૦૦૯-'૧૦માં રૂ. ૯૮૯ કરોડની ચોખ્ખી ખોટ કરી હતી.

સુઝલોનમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ ૧૦ વર્ષમાં નોંધપાત્ર ઘટ્યું છે. કંપનીમાં પ્રમોટર્સનો હિસ્સો ડિસેમ્બર ૨૦૦૮માં ૬૫.૮૦ ટકા હતો, જે ઘટીને ૩૧ ડિસેમ્બર ૨૦૧૮ના રોજ ૧૯.૮૦ ટકા થયો છે. પ્રમોટર્સના પ્લેજડ શેર્સનું પ્રમાણ માર્ચ ૨૦૦૯ના ૪૩.૨ ટકાથી વધીને ડિસેમ્બર ૨૦૧૮ના અંતે ૭૬.૭ ટકા થયું હતું. સપ્ટેમ્બર ૨૦૧૮માં તો પ્રમોટર્સના પ્લેજડ શેર્સનો આંકડો ૯૯.૪ ટકાએ પહોંચ્યો હતો.(૨૧.૭)

 

(10:20 am IST)