Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

૩બી રિટર્નમાં મોડું... તો દંડ ઉપર વ્યાજનો કોરડો

વેપારીઓને હેરાન કરવામાં કોઈ પણ કસર નહીં છોડવા માટે જીએસટી કાઉન્સિલનો નવો નિયમઃ મુદ્દત વીતે રિટર્ન મોડું ભરનાર પાસે પ્રતિ દિવસના ૫૦ રૂપિયા ઉપરાંત વ્યાજ પણ વસુલાશે

મુંબઈ, તા. ૮ :. દર મહિનાની ૨૦ તારીખે ભરવામાં આવતા જીએસટીના ૩બી રિટર્ન ભરવામાં હવે મોડું થશે તો વેપારી પાસેથી દંડ ઉપરાંત વ્યાજની રકમ પણ વસુલવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ નિયમનો અમલ કરવાની શરૂઆત કરવામાં આવતા નાના વેપારીઓની હાલત કફોડી બનવાની છે.

જીએસટી લાગુ થયા બાદ વેપારીઓની સમસ્યા ઓછી થવાને બદલે દિવસને દિવસે સમસ્યા વધતી જ જાય છે, કારણ કે અત્યાર સુધી જીએસટીનું ૩બી રિટર્ન ભરવામાં એક દિવસ પણ મોડું થાય તો પ્રતિ દિવસના ૫૦ રૂપિયા લેખે દંડ ભરવો પડતો હતો. જ્યારે વિભાગ દ્વારા વ્યાજની રકમ વસુલ કરવામાં આવતી નહોતી. જ્યારે હવેથી એક દિવસ પણ રિટર્ન ભરવામાં મોડું થશે તો દંડ ઉપરાંત વ્યાજની રકમ પણ વસુલ કરવા માટેની કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમજ જે વેપારીઓનું ટર્નઓવર પાંચ કરોડથી વધુ હોય તેવા વેપારીઓએ ૩બી રિટર્ન ભરવામાં મોડું થયું હોય તેવા વેપારીઓને તો વ્યાજ વસુલ કરવા માટેની નોટીસ સુદ્ધા મોકલી આપી હોવાની વિગતો જાણવા મળી છે.

દોઢ વર્ષ બાદ વ્યાજ વસુલવાનું શરૂ કરાયું

જીએસટી દ્વારા આવકના નક્કી કરેલા લક્ષ્યાંકને પહોંચી નહીં વળવા હવે નવા નવા નિયમ હેઠળ વેપારીઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેમજ આ નિયમનો અમલ છેલ્લા દોઢ વર્ષથી કરવામાં આવતો નહોતો પરંતુ દોઢ વર્ષ બાદ વેપારીઓ પાસેથી દંડ ઉપરાંત વ્યાજની રકમ પણ વસુલવાની શરૂઆત કરવામાં આવતા મોટા વેપારીઓમાં તો અત્યારથી જ કચવાટ પેદા થયો છે, કારણ કે દોઢ વર્ષમાં વેપારીઓ રિટર્ન ભરવામાં મોડું થાય તો અત્યાર સુધી વ્યાજ વસુલ કરવામાં આવતું નહોતું પરંતુ હવેથી વ્યાજ વસુલ કરવાની શરૂઆત કરી છે.

ક્રેડિટ હોવા છતાં તમામ બાકી રકમ પર વ્યાજ વસુલવાના નિર્ણયથી વિવાદ

રીટર્ન મોડું ભરનાર પાસેથી વ્યાજ વસુલવા માટે બહાર પાડેલા પરીપત્રને કારણે વિવાદ થયો છે કારણ કે જીએસટીમાં પાંચ લાખની ક્રેડિટ હશે અને વેપારીએ ૬ લાખનો ટેક્ષ ભરવાનો થયો હોય તો બાકીના એક લાખ ભરવાના થાય છે. જ્યારે આ રકમ ભરવામાં મોડું થાય તો એક લાખ પરના બદલે તમામ ટેક્ષની રકમ એટલે કે ૬ લાખ પર જ વ્યાજ વસુલવાનો પરીપત્ર બહાર પાડવામાં આવ્યો છે, તેના કારણે વેપારીઓની હાલત સૌથી વધુ કફોડી થવાની છે.

(10:16 am IST)