Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજારથી ઓછા મતોથી જીતેલા ૨૦ સભ્ય સામે રિટ

વિજેતા ઉમેદવારોની જીતની કાયદેસરતાને પડકારાઇ : કેટલાક ઉમેદવારો તો ગણતરીના મતોથી જીત્યા હોવાથી ચૂંટણી પંચની કામગીરીની વિરૂદ્ધ પણ સવાલો ઉઠ્યા છે

અમદાવાદ,તા. ૮ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાંચ હજાર કરતાં ઓછા મતોથી જીતનારા ૨૦ જેટલા ધારાસભ્યોની જીતની કાયદેસરતાને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં એકદમ પાંચ હજાર કરતાં ઓછા માર્જીનથી જીતેલા ધારાસભ્યો સામે હાઇકોર્ટમાં થયેલી ઇલેકશન પિટિશનને લઇ હવે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. તો બીજીબાજુ, જીતેલા ઉમેદવારોના ધબકારા પણ સહેજ વધી ગયા છે કારણ કે, કેટલાક ઉમેદવારો તો ગણતરીના મતોથી જીત્યા છે. ખાસ કરીને રાજયના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની વાત કરીએ તો, તેઓ માત્ર ૩૨૭ મતોથી વિજયી થયા છે. ઇલેકશન પિટિશનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ઉપરાંત, બાબુ બોખીરીયા, શૈલેષ પરમાર સહિતના અનેક દિગ્ગજોની જીત અને વિજય સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પિટિશનમાં દેવભૂમિ દ્વારકા, માંડવી, ગારિયાધાર, પાટણ, ગાંધીનગર ઉત્તર અને જમાલપુર-ખાડિયા સહિતના બેઠકોના ઉમેદવારો અને તેમના વિજયને લઇ ચૂંટણી પંચની કાર્યવાહી અને મતગણતરીને લઇને પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. પિટિશનમાં ઓછા માર્જિનથી જીતેલા આવા  ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવા પણ દાદ માંગવામાં આવી હતી. પિટિશનમાં એ મુદ્દા પર હાઇકોર્ટનું ખાસ ધ્યાન દોરાયું છે કે, સૌથી વધુ ૧૬ બેઠકો એવી હતી કે, જેની પર ઉમેદવારો ત્રણ હજાર કરતાં પણ ઓછા મતોથી વિજયી બન્યા હતા. પિટિશનમાં ચૂંટણી પંચની કામગીરી અને મતગણતરીને લઇને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા અને વિજેતા ધારાસભ્યોની જીતની કાયદેસરતાને પડકારી હતી. સાથે સાથે વિજયી ધારાસભ્યો પૈકીના કેટલાકની જીતને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવા પણ દાદ માંગી હતી. આ કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાય તેવી શકયતા છે. જો કે, આ અરજીને લઇ ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.

(9:19 pm IST)