Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

અયોધ્યા કેસ : દસ્તાવેજો જુદી જુદી ભાષાઓમાં છે

ઉર્દૂ, ફારસી, સંસ્કૃત ભાષામાં નિવેદનો છે : દસ્તાવેજોના અનુવાદને લઇને સતત માંગ થતી રહી છે

નવીદિલ્હી,તા. ૮ : સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણીને લઇને પહેલાથી જ કોર્ટ સંકુલની આસપાસ મજબૂત સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આજે ફરી સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ મામલો ઘણા સમયથી કોર્ટમાં અટવાયેલો છે અને દસ્તાવેજ જુદી જુદી ભાષામાં રહેલા છે. જુદી જુદી ભાષામાં દસ્તાવેજ હોવાના કારણે અડચણો આવી રહી છે. હજારો દસ્તાવેજો રહેલા છે. આ દસ્તાવેજોના પાના પણ હજારોમાં છે.

સાક્ષીઓના નિવેદનો ફારસી, સંસ્કૃત, ઉર્દૂ અને અન્ય જુદી જુદી ભાષામાં છે જેના પર સુન્ની વક્ફ બોર્ડ દ્વારા અગાઉ દસ્તાવેજોના અનુવાદની માંગ કરી હતી. અયોધ્યાની વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા વિરાજમાન અને હિન્દુ મહાસભા દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. સુપ્રીમે નવમી મે ૨૦૧૧ના દિવસે આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર મનાઈ હુકમ મુકીને મામલાની સુનાવણી કરવાની વાત કરી હતી.

સમગ્ર મામલો શું છે....

ધ્વંસ સાથે સંબંધિત બે મામલા છે

         નવી દિલ્હી, તા.૮ : છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે બાબરી મસ્જિદને તોડી પાડવામાં આવી હતી. આને તોડી પાડવાને લઈને બે મામલા નોંધવામાં આવ્યા હતા. આ મામલામાં અપરાધિક કેસની સાથે સાથે દિવાની કેસ પણ ચાલ્યો છે. ટાઇટલ વિવાદ સાથે સંબંધિત મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. અલ્હાબાદ હાઈકોર્ટે ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૦ના દિવસે અયોધ્યા ટાઇટલ વિવાદમાં ચુકાદો આપ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે, વિવાદાસ્પદ જમીનને ત્રણ હિસ્સામાં વિભાજિત કરી દેવામાં આવે. જે જગ્યાએ રામલલ્લાની મૂર્તિ છે તેને રામલલ્લા વિરાજમાનને આપી દેવામાં આવે. સીતા રસોઈ અને રામ સંકુલને નિર્મોહી અખાડાને આપી દેવામાં આવે જ્યારે બાકીની એક તૃતિયાંશ જમીન સુન્ની વક્ફ બોર્ડને આપવામાં આવે. ત્યારબાદ આ મામલો સુપ્રીમ કોર્ટમાં આવ્યો હતો. વિવાદાસ્પદ જમીન પર રામલલ્લા, હિન્દુ મહાસભાએ પણ સુપ્રીમમાં અરજી દાખલ કરી હતી. સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડે પણ અરજી દાખલ કરીને હાઈકોર્ટના ચુકાદા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. સુપ્રીમે નવમી મે ૨૦૧૧ના દિવસે આ મામલામાં અલ્હાબાદ હાઈકોર્ટના આદેશ પર સ્ટે મુકીને આ મામલાની સુનાવણી કરવાની વાત કરી હતી. સુપ્રીમ કોર્ટે યથાસ્થિતિ માટે આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટમાં ત્યારબાદ આ મામલો પેન્ડિંગ છે.

(7:42 pm IST)