Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

હાશ... જળસંકટ હળવું થશે નર્મદા ડેમમાંથી વધુ પાણી લેવાની મંજૂરી હાથવેતમાં

ઉનાળામાં લોકોની હાડમારી ઘટાડવા અને પાણીના નામના રાજકીય રમખાણો નિવારવાનો પાણીદાર ઇલાજ શોધતા વિજય રૂપાણીઃ નર્મદા કંટ્રોલ ઓથોરીટી તરફથી ગુજરાતને વધુ પાણી આપવાની મંજૂરી ટુંક સમયમાં મળે તેવા સંકેત

રાજકોટ તા. ૮ : ગુજરાતના નર્મદા ડેમના ઓછા પાણીના કારણે સર્જાનાર જળસંકટને હળવુ કરવા રાજય સરકારે નર્મદા ડેમમાંથી વધુ પાણી ઉપાડવની મંજૂરી માટે નર્મદા કંટ્રોલ ઓથોરીટી સમક્ષ કરેલી અરજીને હકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં જ ગુજરાત માટે સારા સમાચાર આવે તેવા સંકેત છે. મુખ્યમંત્રી  શ્રી વિજય રૂપાણી અને ઉચ્ચ અધિકારીઓ આ બાબતે દિલ્હી સુધી સંપર્ક - સંકલન કરી રહ્યા છે.

 

મધ્ય પ્રદેશમાં ગયા વર્ષે ઓછો વરસાદ થતા નર્મદા ડેમની સપાટી ૧૧૦ મીટર નજીક પહોંચી ગઇ છે. એન. સી. એ. એ પ૦ ટકાથી વધુ પાણી ઉપાડવાની મનાઇ કરી છે તેથી રૂપાણી સરકારે નર્મદા આધારિત ઉનાળુ પાકનું વાવેતર ન કરવા ખેડૂતોને જાહેર અપીલ કરેલ. સરકાર પીવાના પાણીને જ સર્વોચ્ચ અગ્રતા આપી રહી છે. હાલ નર્મદા ડેમમાંથી ગુજરાતને જે જથ્થો મળે છે તે પીવા પાણી માટે પુરતો ગણાતો નથી. તેથી નર્મદા ડેમમાંથી ગુજરાત માટે વધુ પાણી છોડવા માટે રાજય સરકારે એન. સી. એ. માં દરખાસ્ત કરી છે.

 

કેન્દ્રના જળસંપતિ સચિવ એન. સી. એ. ના ચેરમેન છે. સબંધિત રાજયોના મુખ્ય સચિવો તેના સભ્ય છે. કેન્દ્ર અને નર્મદા યોજના સબંધીત અન્ય ત્રણેય રાજયો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં પણ ભાજપની સરકાર છે. પીવાના પાણીની સમસ્યામાં આ રાજકીય અનુકુળતાનો લાભ લેવા માટે રૂપાણી સરકર પ્રયાસ કરી રહી છે.

પીવાના પાણીના પ્રશ્ને ઉનાળામાં થનારા હોબાળાને ધ્યાને લઇને રાજય સરકારે એન. સી. એ. પાસે વધુ પાણી માંગ્યુ છે. પ થી ર૦ ટકા જેટલુ વધુ પાણી મળવાની આશા છે. એન. સી. એ.નું વલણ હકારાત્મક હોવાનું સરકારના સુત્રોનું કહેવુ છે. એન. સી. એ. ગુજરાત માટે નર્મદામાંથી વધુ પાણી ફાળવે તો સૌરાષ્ટ્ર-કચ્છ સહિત નર્મદા આધારિત ગુજરાતનું જળસંકટ ઘણુ હળવુ થઇ જશે અને ભાજપ સરકારને આ મંજૂરી મોટી સિધ્ધી તરીકે ગણાવવાની તક મળશે.(પ.ર૩)

 

(5:34 pm IST)