Gujarati News

Gujarati News

News of Thursday, 8th February 2018

ઉત્તરાખંડમાં સીએમ ઓફિસે 'ચા પાણી'ના રૂ. ૬૮ લાખ ખર્ચ્યા

૧૦ મહિનામાં રિફ્રેશમેન્ટ માટે સીએમ ઓફિસના જંગી ખર્ચનો આરટીઆઇમાં ખુલાસો

દહેરાદૂન તા. ૮ : ઉત્તરાખંડની ભાજપ સરકારે ૧૦ મહિનામાં ચા-પાણી માટે રૂ.૬૮ લાખથી વધુનો ખર્ચ કર્યો હોવાનો ખુલાસો એક આરટીઆઈમાં થયો છે. આ આરટીઆઈ હેમંત સિંહ ગૌનિયાએ કરી હતી. ઉત્તરાખંડની સીએમ ઓફિસે છેલ્લા ૧૦ મહિનમાં ચા-નાસ્તા માટે રૂ.૬૮,૫૯,૮૬૫ જેટલો ખર્ચ કર્યો છે. આરટીઆઈના માધ્યમથી તે એ જાણવા માગતા હતા કે ૧૯ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ સત્તા સંભાળ્યા પછી રાવત સરકારે ચા-નાસ્તા માટે કેટલા રૂપિયા ખર્ચ કર્યા હતા.

તેના જવાબમાં ઉત્તરાખંડ સરકારે જણાવ્યું હતું કે આ મામલે અત્યાર સુધીમાં રૂ. ૬૮૫૯૮૬૫ જેટલો ખર્ચ કરાયો છે. સરકારે જણાવ્યું હતું કે આ રકમ મંત્રીઓ અને અન્ય અધિકારીઓ દ્વારા મહેમાનોના સ્વાગત માટેના ચા-નાસ્તા માટે ખર્ચ કરવામાં આવી હતી..

ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સત્તા સંભાળ્યા પછી પ્રચાર પ્રસારમાં જ રૂ. ૧૦ કરોડ ખર્ચ કરી દીધા હતા. આરટીઆઈના ખુલાસા પ્રમાણે, પોતાના કાર્યકાળના અંતિમ વર્ષમાં અખિલેશ સરકારે પણ રૂ. ૮૫ કરોડ એલઈડીથી પ્રચારમાં ખર્ચ કર્યા હતા. ઉત્તરાખંડમાં સીએમ ઓફિસના ચા-પાણીનો ખર્ચ આ હિસાબે દરરોજ સરેરાશ રૂ. ૨૨૫૦૦ જેટલો થાય છે. .

જેમાં ૧૫૦-૨૦૦ મહેમાનોની આગતાસ્વાગતતા કરવામાં આવે છે. આ રકમમાંથી રૂ. ૫૦૩૮૮૮૦ રિફ્રેશમેન્ટ માટે મુખ્યમંત્રી નિવાસસ્થાને તથા તેમના કાર્યાલયમાં રૂ. ૧૬૫૩૦૮૯ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો એમ સીએમ ઓફિસે જણાવ્યું હતું. મુખ્યમંત્રી હરીશ રાવતની સરકારની રિફ્રેશમેન્ટ માટે જંગી ખર્ચ અંગે ટીકા પણ થઈ રહી છે. આ મામલે કોંગ્રેસ પ્રવકતા મથુરા દત્તા જોશીએ કહ્યું હતું કે ભાજપ એક અલગ જ પાર્ટી છે અને એટલે તે જે કરે તે બધું બરાબર જ છે.

(9:39 am IST)