Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયાને હરાવીને કેનેડા પ્રથમવાર એટીપી કપની ફાઈનલમાં પહોંચ્યું

હવે ફાઈનલમાં કેનેડાનો બે વખતની ફાઈનલીસ્ટ સ્પેનની ટીમ સામે મુકાબલો

સીડની :ફેલિક્સ એગ્યુર-આલિયાસિમ અને ડેનિસ શાપોવાલોવે આખરી અને નિર્ણાયક ડબલ્સ મેચમાં મેડ્વેડેવ અને સાફિઉલ્લીનને ૪-૬, ૭-૫, ૧૦-૭ થી હરાવીને કેનેડાને પહેલી વખત એટીપી કપની ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો હતો. જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન રશિયાની ટીમ ૧-૨થી હારીને બહાર ફેંકાઈ હતી. હવે ફાઈનલમાં કેનેડાનો મુકાબલો બે વખતની ફાઈનલીસ્ટ સ્પેનની ટીમ સામે થશે.

ડેનિસ શાપોવાલોવે કેનેડાને વિજયી પ્રારંભ અપાવ્યો હતો. તેણે રશિયાના સાફિઉલ્લીનને ત્રણ સેટના સંઘર્ષમય મુકાબલામાં ૬-૪, ૫-૭, ૬-૪થી હરાવ્યો હતો. જ્યારે મેડ્વેડેવે ૬-૪, ૬-૦થી આલિયાસિમને હરાવતા રશિયાએ ૧-૧થી બરોબરી મેળવી લીધી હતી. હવે ત્રીજી અને નિર્ણાયક મેચ પર બધો મદાર હતો. જેમાં કેનેડિયન જોડીએ ભારે રોમાંચક મુકાબલામાં મેડ્વેડેવ-સાફિઉલ્લીનને મહાત કરી હતી. આ મુકાબલો એક કલાક અને ૩૭ મિનિટ સુધી ચાલ્યો હતો.

અગાઉ સ્પેને ૨-૧થી પોલેન્ડને પરાજીત કર્યું હતુ. એટીપી કપ આ ત્રીજા વર્ષે રમાઈ રહ્યો છે. અગાઉ ૨૦૨૦મા રમાયેલી પ્રથમ સિઝનમાં સર્બિયાની ટીમે૨-૧થી સ્પેનને હરાવ્યું હતુ. જ્યારે ગત સિઝનમાં રશિયાની ટીમે ૨-૦થી ઈટાલીને પરાજીત કર્યું હતુ.

(1:05 am IST)