Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પાકિસ્તાનના હિલ સ્ટેશન મુરી ખાતે વાહનોની અંદર થીજી જતા 9 બાળકો સહીત 21 લોકોના મૃત્યુ

ભારે હિમવર્ષાની વચ્ચે 23 હજાર અટવાયેલા વાહનો કઢાયા: હજી પણ એક હજાર વાહનો અટવાયેલા

લાહોરઃ પાકિસ્તાનના લોકપ્રિય હિલ સ્ટેશન મુરી ખાતે 21 જણા વાહનોની અંદર થીજી જઈને મૃત્યુ પામ્યા છે.તેમા નવ બાળકોનો પણ સમાવેશ થાય છે. રાવલપિંડી વિસ્તારના મુરી જતા બધા રુટને બ્લોક કરી દેવાયા છે. હજારો વાહનો શહેરમાં પ્રવેશતા બહાર નીકળવા માંગતા પ્રવાસીઓ નિસહાય થઈ ગયા હતા. લગભગ એક હજાર વાહનો હિલ સ્ટેશન પર ફસાયેલા છે.

પંજાબના મુખ્યપ્રધાને ફસાયેલા પ્રવાસીઓને નીકાળવા તથા રાહત અને બચાવકાર્ય માટે આદેશ આપ્યા છે. બચાવ કાર્ય કરનારાઓ દ્વારા જારી કરાયેલી યાદી મુજબ 1,122ને બચાવાયા છે, કમસેકમ 21ના મોત થયા છે. તેમા નવ બાળકો છે.

કિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને આ બનાવ અંગે આઘાત અને આંચકાની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેઓ મુરીના બનાવથી ખૂબ જ દુઃખી છે. ભારે હિમવર્ષાના લીધે લોકોએ ત્યાં જવા અને નીકળવા માટે રીતસરનો ધસારો કર્યો હતો. છેલ્લા પંદરથી વીસ વર્ષમાં સૌથી વધુ ધસારો મુરી ખાતે નોંધાયે છે. સ્થાનિક વહીવટીતંત્ર આ ધસારાને પહોંચી વળવા સક્ષમ ન હતું.

ગૃહપ્રધાન શેખ રશીદે જણાવ્યું હતું કે સરકારે ઇસ્લામાબાદથી મુરી જતા રસ્તા બ્લોક કરી દીધા છે. ઇસ્લામાબાદ અને રાવલપિંડીના કમિશ્નર અને ડેપ્યુટી કમિશ્નર બચાવકાર્ય માટે ગયા છે. લગભગ એક હજાર જેટલા વાહનો ગઇકાલ રાતથી અટવાયા છે. કેટલાકને બચાવાયા છે. કારની અંદર જ 16થી 19 લોકો માર્યા ગયા છે. સ્થાનિકોએ અટવાયેલાઓને ફૂડ અને બ્લેન્કેટ પૂરા પાડયા છે. અત્યાર સુધીમાં મુરી ખાતેથી ૨૩ હજાર વાહનોને નીકાળવામાં આવી ચૂક્યા છે છતાં હજી પણ હજાર વાહનો અટવાયેલા છે.

(12:58 am IST)