Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

પીએમ મોદીની રેલી અંગે IB એ પંજાબ સરકારને ચેતવી હતી : ઈનપુટમાં કટ્ટરપંથીઓના દેખાવોની આશંકા દર્શાવ્યાનો ખુલાસો

રીપોર્ટમાં કહ્યું હતું કે વડાપ્રધાનની રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન થવાની પૂરી શક્યતા

નવી દિલ્હી :વડાપ્રધાન મોદીની એક રેલીમાં તેઓ પહોંચે તે પૂર્વે જ તેમની સુરક્ષામાં થયેલી ક્ષતિ અંગે ભલે કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે રાજકારણ ખેલાતું હોય, પરંતુ ઈન્ટેલિજન્સ બ્યુરો આઈબીએ તો આવી ઘટનાની આશંકા પહેલેથી જ દર્શાવી હતી.ણે તેના વિસ્તૃત રીપોર્ટમાં કહ્યું હતું કે વડાપ્રધાનની રેલી દરમિયાન વિરોધ પ્રદર્શન થવાની પૂરી શક્યતા છે.

આઈબીએ તેમ પણ કહ્યું હતું કે હુસૈનીવાળા ખેડૂત સંગઠનોનો ગઢ છે ત્યાંથી પસાર થતાં મુશ્કેલીઓ થવા સંભવ છે. કારણ કે સંયુક્ત કિસાન મોર્ચાના ભાગરૂપ ભારતીય કિસાન યુનિયન (ક્રાંતિકારી) તથા સતનામ પન્નુનાં જૂથ કેએમએમસીએ પહેલેથી જ જાહેર કરી દીધું છે કે પી.એમ. મોદીની ફિરોઝપુરની મુલાકાત દરમિયાન તેઓ તેમને ઘેરાવ કરશે.

આ ઉપરાંત તે અહેવાલમાં આઈબીએ જણાવ્યું હતું કે ખેડૂત સંગઠનો પણ વડાપ્રધાનની વિરૂદ્ધ જ છે. આ માહિતી આઈબીએ પંજાબ સરકારને આપી હતી સાથે તેને ચેતવી પણ હતી. આ કટ્ટરપંથી સંગઠનો શીખ કેદીઓને જેલમાંથી છોડાવવા જ માગે છે તે માટે તેમણે ઘણીવાર સરકારને અરજી પણ કરી હતી. અને દેખાવો પણ કર્યા હતા. આ પરિસ્થિતિ જોતાં એવું લાગે છે કે કટ્ટરપંથી શિખ સંગઠનો વડાપ્રધાન સામે દેખાવો કરશે જ.

 

આઈબીએ પંજાબ સરકારને સુપ્રત કરેલા એ રીપોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે જે સ્થળે પીએમની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે તે પાકિસ્તાનની સીમાથી અત્યંત નજીક છે. બીજી તરફ ખાલીસ્તાની સંગઠન 'શિખ્સ ફોર જસ્ટિસ'ના નેતા ગુરપતવંત સિંહ પન્નુ સ્થાનિક યુવાનોને પૈસા આપી લોભાવવાની કોશીશ કરી રહ્યા છે.

પંજાબ સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને મોકલેલા રીપોર્ટમાં જણાવ્યું છે કે આંદોલનકારી ખેડૂતો અચાનક જ માર્ગમાં આવી ચઢ્યા હતા. જોકે તેમની વિરૂદ્ધ એફઆઈઆર તો નોંધવામાં આવી જ છે તે ઉપરાંત બે સભ્યોની તપાસ પેનલ પણ રચી છે. જેની પાસે ત્રણ જ દિવસમાં રીપોર્ટ પણ માગવામાં આવ્યો છે.

તે સર્વવિદિત છે કે એક ફલાઈ ઓવર ઉપર મોદીના કાફલાને ૨૦ મીનીટ સુધી થંભી રહેવું પડયું હતું તે અંગે પંજાબના મુખ્યમંત્રી ચન્નીએ વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી આ રીપોર્ટ તૈયાર કર્યો હતો

જ્યારે નિરીક્ષકો તો આ સમગ્ર ઘટના પાછળ ઊંડુ ષડયંત્ર હોવાની આશંકા સેવે છે. પાકિસ્તાન અને ચીનની રાજ-રમત પણ તેમાં નકારી શકાય તેમ નથી તેમ પણ કહે છે. તેવામાં ફિરોઝપુર નજીકથી મળી આવેલી પાકિસ્તાનની નૌકા એક નવું જ પરિમાણ ઉમેરે છે.

(12:26 am IST)