Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

દેશમાં રેકોર્ડ વેક્સિનેશન થવા પર સેન્ડ આર્ટિંસ્ટે લોકોને પાઠવ્યા અભિનંદન :રેતી પર બનાવી શાનદાર તસવીર

જાણીતા રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે ઓડિશાના પુરીમાં બીચ પર સુંદર રેતીનું આર્ટવર્ક કર્યુ: લખ્યું - તમામ ફ્રન્ટલાઈન યોદ્ધાઓને સલામ

નવી દિલ્હી :કોરોના સામે ભારતની લડાઈ ચાલુ છે. દેશે કોરોના સામે રસીકરણમાં મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડ ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ ઝુંબેશ શરૂઆતમાં ધીમી રહી પછી ઓગસ્ટ 2021માં વેગ પકડી હતી. આ સિદ્ધિ દર્શાવવા માટે દેશના જાણીતા રેત કલાકાર સુદર્શન પટ્ટનાયકે તેમના આર્ટવર્ક દ્વારા લોકોને અભિનંદન પાઠવ્યા હતા.

પટ્ટનાયકે ઓડિશાના પુરીમાં બીચ પર સુંદર રેતીનું આર્ટવર્ક કર્યુ છે. તેમનો આ આર્ટ પીસ ખૂબ જ ચર્ચિત છે, જેના દ્વારા તેઓ લોકોને જાગૃત કરી રહ્યા છે. ટ્વિટર પર તસવીર શેર કરતાં તેમણે લખ્યું, 'ભારત 150 કરોડ વેક્સીનના માઈલસ્ટોન પર પહોંચી ગયું છે. આ માટે તમામ ફ્રન્ટલાઈન યોદ્ધાઓને સલામ. ચાલો અન્ય લોકોને રસી અપાવવા માટે પ્રોત્સાહિત કરીએ અને #COVIDના યોગ્ય વર્તનને અનુસરીએ!

સુદર્શન પટ્ટનાયકના આ ટ્વીટને સમાચાર લખાય ત્યા સુધીમાં 1600 થી વધુ લાઈક્સ અને સેંકડો રીટ્વીટ મળ્યા છે. આ સિવાય ઘણા એવા યુઝર્સ છે જેઓ તેમના આર્ટ-પીસની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'સુંદર આર્ટવર્કથી લોકોને જાગૃત કર્યા.' જ્યારે અન્ય યુઝરે લખ્યું, તમારી કલાત્મકતાને મારી સલામ.' અન્ય યુઝરે લખ્યું, 'કળા દ્વારા સુંદર સંદેશ બતાવવાનું લોકોએ તમારી પાસેથી શીખવું જોઈએ.' આ સિવાય અન્ય ઘણા યૂઝર્સે રેતી કલાકાર સુદર્શન પટ્ટનાઈકના વખાણ કર્યા.

 સુદર્શને ઘણા આંતરરાષ્ટ્રીય રેતી ઉત્સવ જીત્યા છે અને સૌથી ઉંચો રેતીનો કિલ્લો બનાવવાનો ગિનીસ રેકોર્ડ પણ ધરાવે છે. તેમની કલા માટે, ભારત સરકારે તેમને 2014 માં પદ્મશ્રીથી સન્માનિત કર્યા. રસપ્રદ વાત એ છે કે સુદર્શને પોતે ક્યારેય કોઈ તાલીમ લીધી નથી, પરંતુ આજે દુનિયાભરમાંથી લોકો તેમની સુદર્શન સેન્ડ આર્ટ ઈન્સ્ટિટ્યૂટમાં સેન્ડ આર્ટ શીખવા આવે છે.

(12:10 am IST)