Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

ચીન દ્વારા ભારતને ઉશ્કેરવા હવે નવો પ્રયાસ:પ્રચાર યુદ્ધ ખોલ્યું:ટ્વિટર યૂઝર્સને ગલવાન ઘાટીનો પત્થર મોકલશે

વેસ્ટર્ન થિયેટર કમાન્ડે 'સીના વીબો' પર ખોલ્યું નવું સત્તાવાર એકાઉન્ટ:એક ઇંચ પણ છોડવાનું નથીનો સંદેશો પહોંચાડવા નવી ચાલ

 

નવી દિલ્હી : ભારત સાથે પૂર્વ લદાખમાં સરહદી વિવાદ વચ્ચે ચીન હવે નવી ચાલ રમવા જઈ રહ્યું છે.

ચીની પીપલ્સ લિબરેશન આર્મીના વેસ્ટર્ન થિયેટર કમાન્ડ 1લી ફેબ્રુઆરીથી પોતાના ટ્વિટર જેવા સત્તાવાર એકાઉન્ટના ટોપ ટેન યૂઝર્સને પૂર્વ લદાખની ગલવાન ઘાટીનો પત્થર ભેટ આપવાની પહેલ કરશે. ચીની સૈન્યનો વેસ્ટર્ન થિયેટર કમાન્ડ ભારત સાથેની વિવાદિત સરહદની દેખરેખ કરે છે.

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વેસ્ટર્ન થિયેટર કમાન્ડે શુક્રવારે ચીનના ટ્વિટર જેવા પ્લેટફોર્મ 'સીના વીબો' પર પોતાનું સત્તાવાર એકાઉન્ટ ખોલ્યું છે. વેસ્ટર્ન થિયેટર કમાન્ડે સંદર્ભમાં નોટિસ જારી કરીને કહ્યું છે કે 1 ફેબ્રુઆરીએ કમાન્ડ એવા 10 ભાગ્યશાળી વિજેતા નેટિઝન્સની પસંદગી કરશે કે જેમણે તે નોટિસ ફરી પોસ્ટ કરેલી હોય. વિજેતા રહીને પસંદગી પામેલા ટોપ ટેન યૂઝર્સને ભેટરૂપે ગલવાન ખીણનો પત્થર મોકલવામાં આવશે.

વેસ્ટર્ન થિયેટર કમાન્ડે 'સીના વીબો' જેવા પ્લેટફોર્મ પરના સત્તાવાર એકાઉન્ટ પર એક તસવીર પણ શેર કરી છે. તસવીર શેર કરીને ચીની ભાષામાં લખ્યું હતું કે, શાનદાર દૃશ્ય, એક ઇંચ પણ છોડવાનું નથી. ગલવાન ખીણમાં 15 જૂનની રાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષ પછી ભારતને ઉશ્કેરવા ચીન સરકાર દ્વારા થનારો નવો પ્રયાસ છે. 15 જૂનના રોજ બન્ને દેશના સૈનિકો વચ્ચે થયેલા સંઘર્ષમાં ભારતના 20 જવાન શહીદ થયા હતા તો ચીનના ચાર સૈનિકો માર્યા ગયા હતા.

પૂર્વ લદાખમાં સરહદી વિવાદ સર્જાતાં મે 2020થી ભારત અને ચીનના સૈન્યો આમને સામને છે. બન્ને પક્ષો તરફથી પેંગોંગ ત્સો સરોવર ક્ષેત્રમાં ભારે સંખ્યામાં સૈનિકો અને હથિયારો તૈનાત થયેલા છે. સરહદી વિવાદ ખતમ કરવા બન્ને દેશો વચ્ચે અનેક તબક્કે વાટાઘાટો પણ સર્જાઈ ચૂકી છે. પરંતુ ગલવાન ખીણનો મુદ્દો જીવંત રાખવા ચીની સૈન્યે નવો પ્રયોગ શરૂ કર્યો છે. હવે વેસ્ટર્ન થિયેટર કમાન્ડના સત્તાવાર એકાઉન્ટના ટોપ ટેન યૂઝર્સને ગાલવાન ખીણ વિસ્તારનો પત્થર ભેટમાં મોકલવાનો આરંભ થશે. ટ્વિટર હેન્ડલના સંદેશા દૂર દૂર પહોંચવાના પણ શરૂ થશે.

 

(11:49 pm IST)