Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

જોકોવિચનો ઓસ્ટ્રેલિયા સામે કાનૂની પડકાર :નંબર 1 ટેનિસ પ્લેયર કોરોના સંક્રમિત હતો:વકીલોનો દાવો

જોકોવિચ જો તેના વિઝા રદ કરવાના નિર્ણયને પલટવામાં નિષ્ફળ જાય તો ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવવાનું જોખમ:ત્રણ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે

મુંબઈ ;વિશ્વના નંબર વન ટેનિસ ખેલાડીના ઓસ્ટ્રેલિયા પ્રવેશ રદ કરવાના નિર્ણયને પડકારતા નોવાક જોકોવિચના વકીલોએ કોર્ટમાં માહિતી આપી છે, કે આ સ્ટાર ખેલાડી ગયા મહિને કોવિડ-19થી સંક્રમિત થયો હતો. ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશને આ જાણકારી આપી. જોકોવિચને મેલબોર્ન એરપોર્ટ પર પ્રવેશ આપવાથી ઇન્કાર કરવામાં આવ્યો હતો.

વિક્ટોરિયા રાજ્ય સરકાર અને ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકો દ્વારા સમર્થિત બે સ્વતંત્ર મેડિકલ પેનલને જોકોવિચ દ્વારા સબમિટ કરવામાં આવેલી માહિતીના આધારે તેને તબીબી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ આ પછી કહેવામાં આવ્યું કે સીમા અધિકારીઓને આ મેડિકલ છૂટ ગેરકાયદેસર લાગી છે. જોકોવિચ હાલમાં મેલબોર્નમાં ઈમિગ્રેશન અધિકારીઓની કસ્ટડીમાં છે અને સોમવારે ફેડરલ સર્કિટ કોર્ટમાં નિર્ણયને પડકારવાની તૈયારી કરી રહ્યો છે.

જો કે, જોકોવિચ જો તે તેના વિઝા રદ કરવાના નિર્ણયને પલટવામાં નિષ્ફળ જાય અને ઓસ્ટ્રેલિયાના COVID-19 રસીકરણ નિયમોમાંથી તબીબી મુક્તિને સમર્થન આપવા માટે પૂરતા પુરાવા પ્રદાન કરવામાં નિષ્ફળ જાય તો, જોકોવિચને એક કરતાં વધુ ઓસ્ટ્રેલિયન ઓપન ગુમાવવાનું જોખમ છે. જોકોવિચ પર ત્રણ વર્ષ સુધીનો પ્રતિબંધ લાગી શકે છે.

ઓસ્ટ્રેલિયન કોર્ટમાં જોકોવિચ કાનૂની લડાઈ હારી જાય તો પરિણામ વિશે પૂછવામાં આવતા, ઓસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે એસોસિએટેડ પ્રેસને ઈમેલ પર જણાવ્યું હતુ. જેમાં કહ્યુ હતુ, જે વ્યક્તિનો વિઝા રદ કરવામાં આવ્યો છે તેને ત્રણ વર્ષ સુધી દેશ થી બહાર કરી શકાય છે, જે તેને ભવિષ્યમાં અસ્થાયી વિઝા આપવામાં અટકાવે છે.

તેમજ એ પણ કહ્યુ, નવી વિઝા અરજી દરમિયાન દેશથી બહાર કરવાનો સમય ધ્યાનમાં લેવામાં આવશે અને ચોક્કસ સંજોગોમાં તેને દૂર કરી શકાય છે પરંતુ દરેક કેસ તેના મહત્વ પર જોવામાં આવશે.

ઓસ્ટ્રેલિયન ઓપનના આયોજકોએ જાહેરમાં ટિપ્પણી કરી નથી. જોકે, તેણે ઓસ્ટ્રેલિયન અખબારોને જણાવ્યું હતું કે કોઈ પણ ખેલાડીએ રસીકરણની જરૂરિયાત વિશે ખોટી માહિતી આપી નથી. ટુર્નામેન્ટ ડાયરેક્ટર ક્રેગ ટાઇલી એ આશા સાથે જોકોવિચને ટેકો આપી રહ્યા છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન 17 જાન્યુઆરીથી શરૂ થનારી ટુર્નામેન્ટમાં રમી શકશે.

(11:29 pm IST)