Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બિહારના મોતીહારીમાં એરફોર્સ અધિકારીની હત્યા

પત્નીની સારવાર કરાવીને અધિકારી ઘરે પરત ફરતા હતા : મૃતક આદિત્ય કુમારનો પાડોશીઓ સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો : પોલીસે વધુ તપાસ હાથ ધરી

પટના, તા. : બિહારના મોતિહારીમાં ભારતીય વાયુસેનાના એક અધિકારીની હત્યા કરી દેવામાં આવી છે. ઘટના પૂર્વ ચંપારણ જિલ્લાના સંગ્રામપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોડી રાત્રે બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સના અધિકારી આદિત્ય કુમાર ઉર્ફે આલોક તિવારી પોતાની પત્નીની સારવાર કરાવીને પિતા સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન કેટલાક બદમાશોએ ઘટનાને અંજામ આપ્યો હતો.

મળતી માહિતી મુજબ એરફોર્સ ઓફિસર તેમના પિતા રિટાયર્ડ ટીચર ચંન્દેશ્વર તિવારી સાથે બાઇક દ્વારા પોતાના ઘરે તિવારી ટોલા પરત ફરી રહ્યા હતા. દરમિયાન, ઘુસિયાર ગામ પાસે પહેલેથી ઘાત લગાવીને બેસેલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો અને છરીના ઘા ઝીંકીની હત્યા કરી દીધી. ઘટના બાદ સ્થાનિક લોકોની મદદથી તેમને ગંભીર હાલતમાં મોતિહારીની સદર હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

કહેવામાં આવી રહ્યું છે કે એરફોર્સ ૪૦મી વિંગના અધિકારી આદિત્ય કુમાર ઉર્ફે આલોક તિવારી ગયા મહિને રજા પર ઘરે આવ્યા હતા.

તેમની પત્ની બીમાર હોવાથી તેઓ શુક્રવારે સાંજે તેમના ઓપરેશન બાદ ઘરે પરત ફરી રહ્યા હતા. કહેવાય છે કે મૃતક આદિત્ય કુમારનો પાડોશીઓ સાથે જમીનને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. પાડોશીએ આદિત્ય કુમારના સરસવના ખેતરની વચ્ચે એક રસ્તો બનાવ્યો છે, જેને લઈને લડાઈ ચાલી રહી હતી. થોડા દિવસો પહેલા પણ મામલે શક્તિ પ્રદર્શન પણ થયું હતું.

હાલ વિવાદના કારણે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદર હોસ્પિટલમાં મૃતક આદિત્ય કુમારની પત્નીના ભાઈ અજીત કુમાર સિંહે જણાવ્યું કે તે ગયા મહિને રજા પર ઘરે આવ્યો હતો. મૈત્રીપૂર્ણ સ્વભાવનો આદિત્ય તેના પિતા ચંદેશ્વર તિવારી સાથે તેની પત્નીને માતાના ઘરે મૂકીને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ગુનેગારોએ તેને ઘેરી લીધો અને તેના પર છરી વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. તેમણે જણાવ્યું કે આદિત્ય કુમારને બે પુત્રી અને એક પુત્ર છે. હાલ સમગ્ર મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

(7:33 pm IST)