Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

સપ્ટેમ્બરમાં કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ

કોંગ્રેસ પક્ષમાં ઉંચ્ચકક્ષાએ બેઠકોનો દોરઃ બે વર્ષથી ટળતી રહી છે ચૂંટણી : ૩૧ માર્ચ સુધીમાં પૂરી કરાશે સભ્ય નોંધણીઃ સપ્ટેમ્બર બાદ ત્ઘ્ઘ્નું સેશન બોલાવાશે

નવી દિલ્હી તા. ૮: કોંગ્રેસ પક્ષ હજુ સુધી પોતાના નવા અધ્યક્ષના નામની જાહેરાત નથી કરી શકયો. કેટલાય સીનીયર નેતાઓએ માંગણી કરી છે કે આ પ્રક્રિયાને જલ્દી પુરી કરવામાં આવે જેથી પક્ષને સમય છે ત્યાં નવો માર્ગ બતાવી શકાય. હવે પક્ષ આ દિશામાં આગળ વધી રહ્યો છે.
જણાવાઇ રહ્યું છે કે, આજે ૯ અને ૧૦ના થઇ રહેલી વર્ચ્યુઅલ બેઠકમાં બધા રાજ્યોના મહાસચિવ અને પ્રદેશ અધ્યક્ષ ભાગ લેવાના છે. પક્ષની અંદર આંતરિક ચુંટણીઓ માટેનું દબાણ વધવા લાગ્યા પછી આ વર્ચ્યુઅલ બેઠક બોલાવાઇ રહી છે. છેલ્લા બે વર્ષથી કોઇને કોઇ કારણથી ચુંટણીઓ ટાળવામાં આવી રહી છે. પણ હવે પક્ષના નેતાઓ જણાવે છે કે સપ્ટેમ્બર સુધીમાં પક્ષને નવા અધ્યક્ષ મળી જશે.
પક્ષની સેન્ટ્રલ ઇલેકશન ઓથોરીટીના ચેરપર્સન મધુસુદન મિસ્ત્રીએ જણાવ્યું કે, પક્ષ નિર્ધારીત સમય પર પોતાની આંતરિક ચુંટણી પ્રક્રિયા પુરી કરશે. તેમાં કોઇ મોડું નહીં થાય.
ઇલેકશન ઓથોરીટીના શેડયુલ અનુસાર પહેલા તબક્કા દરમિયાન એઆઇસીસી મેમ્બર્સ બનાવવાની પ્રક્રિયા ૩૧ માર્ચ સુધીમાં પુરી કરવાની છે. ત્યાર પછી બીજા તબક્કામાં એઆઇસીસી ડેલીગેટસ એપ્રિલ-મે માં બની જવા જોઇએ. પછી ત્રીજા તબક્કામાં ઓગસ્ટ સુધીમાં પ્રદેશ કોંગ્રેસ મેમ્બર્સ નક્કી કરાશે જેની સંખ્યા ૯૦૦૦ જેટલી રહેશે અને અંતે સપ્ટેમ્બર સુધીમાં પક્ષને નવા અધ્યક્ષ આપવામાં આવશે અને ત્યાર પછી આઇસીસીનું સેશન બોલાવવામાં આવશે અને નવા અધ્યક્ષની પસંદગી પર મંજૂરીની મહોર લગાવવામાં આવશે.

 

(11:07 am IST)