Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કોરોનાકાળમાં ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૭૦૦૦ જેટલા મોત નોંધાતા’તાઃ એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન દર માસે ૩૯૦૦૦ જેટલા મોત

બીજી લહેરમાં અધધ ૨૩૦ ટકા વધુ મોત નોંધાયાઃ સરકારી આંકડા બીજી લહેરમાં દેશમાં ૪.૮ લાખ મોત કહે છે હકીકતે ૩૦ લાખના મોત થયા છેઃ એક સંશોધન પત્રમાં ખુલાસોઃ દેખાય છે તેના કરતા હકીકત જુદી હતી

નવી દિલ્હી તા. ૮: ભારત, કેનેડા અને યુ.એસ.ના સંશોધકો દ્વારા એક સંશોધન પેપર તૈયાર કરવામાં આવ્યું છે. જે પેપર દર્શાવે છે કે ગુજરાતમાં કોવિડ-૧૯ની બીજી તરંગ જયારે તેના ચરમ પર હતી તે એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન એકંદરે તમામ પ્રકારના મૃત્યુ ૨૦૧૮-૧૯માં નોંધાયેલા સરેરાશ માસિક મૃત્યુદરની સરખામણીએ ૨૩૦% જેટલા વધુ હતા.
આ સંશોધન પત્રમાં અંદાજ આપવામાં આવ્યા મુજબ ગુજરાતમાં પ્રતિ મહિને સરેરાશ ૧૭,૦૦૦ જેટલા નોંધાતા મૃત્યુઆંકમાં વધારો થઈને એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન પ્રતિ મહિને ૩૯,૦૦૦ મૃત્યુ નોંધાયા હતા. તેમજ બીજી લહેરના આ પીક સમયના સર્વે મુજબ આ મૃત્યુ આંકડા અન્ય ૧૬ ભારતીય રાજયો કરતા સૌથી વધુ હતા. ઈન્ટરનેશનલ જર્નલ સાયન્સમાં પ્રકાશિત થયેલા સંશોધન પત્રમાં દાવો કરવામાં આવ્યો છે કે આખા ભારતનો સરેરાશ મૃત્યુદર એપ્રિલ-મે ૨૦૨૧ દરમિયાન ૧૨૦% જેટલો વધ્યો હતો. આ બે મહિનામાં દેશમાં મૃત્યુ સરેરાશ ૩.૭૫ લાખથી વધીને ૪.૫ લાખ થઈ ગઈ હતી.
આ રિસર્ચ સાયન્સ પેપર - તેની વેબસાઇટ પર પ્રીપ્રિન્ટ તરીકે ઉંપલબ્ધ છે - દાવો કરે છે કે કોરોનાની બીજી લહેરમાં સરકાર દ્વારા જાહેર કરાયેલ દેશભરમાં લગભગ ૪.૮ લાખ મૃત્યુના સત્તાવાર આંકડા સામે, વાસ્તવિક આંકડો લગભગ ૩૦ લાખ હોઈ શકે છે જે સત્તાવાર આંકડા કરતા લગભગ ૬-૭ ગણો વધારે છે. આ સંશોધન પત્ર ‘કોવિડ મોર્ટાલિટી ઇન ઇન્ડિયાઃ નેશનલ સર્વે ડેટા એન્ડ હેલ્થ ફ્ેસિલિટી ડેથ્સ’ નામથી સાયન્સ જર્નલના તાજેતરના અંકમાં પ્રકાશિત થયો છે અને તે કેનેડા, ભારત અને યુએસના ૧૧ સંશોધકો દ્વારા ડેટા એકત્રિત કરીને લખાયેલ છે. આ સંશોધકોમાં યુનિવર્સિટી ઓફ્ ટોરેન્ટોના ડાલા લાના સ્કૂલ ઓફ્ પબ્લિક હેલ્થના પ્રભાત ઝા અને અમદાવાદ આઈઆઈએમના ચિન્મય તુમ્બેનો પણ સમાવેશ થાય છે.
મહત્વનું છે કે ગુજરાતમાં કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવાય છે જયારે હવે સરકાર કબૂલી રહી છેકે કે તેના દ્વારા ૪૩ હજાર લોકોને કોરોનાની સહાય ચૂકવવામાં આવી છે. ટૂંકમાં ,સત્તાવાર મૃત્યુઆંક કરતાં ચાર ગણા લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા છે તે વાત હવે ખુલ્લી પડી છે. કોરોનાને કારણે હજારો લોકોના મોત નિપજયા છે. જોકે સરકાર આજે પણ કોરોનાનો સત્તાવાર મૃત્યુઆંક ૧૦,૧૨૦ દર્શાવી રહી છે જયારે સુપ્રિમ કોર્ટમાં એફ્ડિેવિટમાં કોરોનાથી મૃત્યુ મામલે સહાયના જે આંકડા દર્શાવવામાં આવી રહ્યા છે તે બંને આંકડાઓમાં જમીન આસમાનનો ફ્રક છે. આ મામલે સરકાર એવા બહાના આપી રહી છે કે સુપ્રિમે કોરોનાના મૃત્યુની વ્યાખ્યા અલગ તારવી હોવાથી મૃત્યુઆંક વધ્યો છે.
પ્રો. તુમ્બેએ કહ્યું કે પબ્લિક ડોમિન અને ઇન્ડિપેન્ડેન્ટ સોર્સ દ્વારા ઉંપલબ્ધ ડેટા આધારે કોરોના મૃત્યુઆંકને દર્શાવવાનો છે. તેમણે કહ્યું કે આંકડા તો એવું દર્શાવે છે કે ભારત દુનિયામાં કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ રહ્યો છે. આ વાક્યને આપણે કમસે કમ એપ્રિલ મે ૨૦૨૧ના મધ્ય સુધી તો સત્ય માનવું જ પડે. તેમણે કહ્યું કે જોકે આધારભૂત ડેટાબેઝના આધારે તૈયાર કરવામાં આવેલા પેપરમાં એ જોઈ શકાય છે કે જે વધારે પડતા દાવા કરવામાં આવતા હતા કે ભારતમાં ૫૦ લાખથી વધુ લોકોના કોરોનાથી મોત થયા છે તેની સામે રિસર્ચ પત્રનો અંદાજ ઓછો છે. આ સાથે તેમણે ઉંમેર્યું કે બીજી લહેર દરમિયાન ગુજરાત કદાચ દેશમાં સૌથી વધુ ખરાબ રીતે પ્રભાવિત રાજય હોઈ શકે છે.

 

(10:27 am IST)