Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

યુએસમાં તિરંગો લહેરાવનાર ભારતીય મૂળના વિન્સેંટ હતા

અમેરિકન સંસદમાં હિંસક દેખાવો થયો હતો : પહેલાં એફબી પર કેપિટલ હિલની બહાર ભારતીય તિરંગો લહેરાવતી તસ્વીર પોસ્ટ કરી હતી પણ બાદમાં ડિલીટ કરી

નવી દિલ્હી, તા. ૮ : અમેરિકન સંસદ કેપિટલ હિલની બહાર બુધવારના રોજ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા વચ્ચે ભારતનો તિરંગો લહેરાવતા શખ્સની ઓળખ થઇ ગઇ છે. તિરંગાને ભારતીય મૂળના વિન્સેંટ ઝેવિયર પલથિંગલ લહેરાવી રહ્યા હતા. વિન્સેંટ પ્રદર્શન દરમ્યાન કેપિટલ હિલની બહાર હાજર હજારો લોકોની ભીડમાં સામેલ હતા અને ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા.

વિન્સેંટે પહેલાં ફેસબુક પર કેપિટલ હિલની બહાર ભારતીય તિરંગો લહેરાવતી તસવીર પોસ્ટ કરી હતી પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દીધી. વિન્સેંટ દાવો કર્યો કે ૨૦૨૦ની સાલમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જોરદાર છેતરપિંડી થઇ છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ પ્રકારનો દાવો કર્યો છે પરંતુ ચૂંટણી અધિકારીઓએ તેમના આ દાવાને પુરાવાની સાથે નકારી દીધો છે. કેરળના મનોરમા ન્યૂઝના અનુસાર વિન્સેંટ કોચ્ચીના ચંબાક્કરાનો છે.

કહેવાય છે કે વિન્સેંટ એ ભારતીય મૂળના લોકોમાં સામેલ છે જેને ટ્રમ્પ પ્રશાસને રાષ્ટ્રપતિના એક્સપોર્ટ કાઉન્સિલમાં સામેલ કરવા માટે ભલામણ કરાઇ હતી. વિન્સેંટે એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે તે ચૂંટણીમાં ધાંધલીની વિરૂદ્ધ પ્રદર્શન માટે ગયો હતો, હિંસા સાથે તેને કોઇ સંબંધ નથી. વિન્સેંટે ફેસબુક પર કહ્યું કે ટ્રમ્પની રેલીઓમાં હંમેશા ખૂબ મજા આવે છે. જો કે તેણે હવે તેને ડિલીટ કરી દીધી છે.

આપને જણાવી દઇએ કે કેપિટલ હિલની સામે અને અંદર હિંસા પર ઉતરેલા હજારો ટ્રમ્પ સમર્થકોની ભીડને વિખેરવામાં પ્રશાસનને પરસેવો છૂટી ગયો હતો. આ દરમ્યાન ૫ લોકોના મોત પણ થયા. તો ઘટના સ્થળનો એક વીડિયો ભારતમાં ખાસ્સો શેર થઇ રહ્યો છે જેમાં ટ્રમ્પ સમર્થકોની ભીડમાં ભારતીય તિરંગો દેખાઇ રહ્યો છે. આ ઝંડો સામે આવ્યા બાદ ભારતમાં વરૂણ ગાંધી અને શશિ થરૂરની વચ્ચે વિવાદ થઇ ગયો હતો. ભાજપના નેતા વરૂણ ગાંધી એ પણ વીડિયો ટ્વીટ કરતાં પ્રશ્ન કર્યો કે ભારતનો ઝંડો અહીં શું કરી રહ્યો છે. તેમણે લખ્યું કે આ લડાઇમાં આપણે ભાગ લેવાની કોઇ જરૂર નથી. અમેરિકામાં મોટી સંખ્યામાં ભારતીય સમુદાય રહે છે. રાષ્ટ્રપતિ ચૂંટણી દરમ્યાન આ ગ્રૂપને આકર્ષવાની કોશિષ ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને જૂથની તરફથી કરાઇ હતી.

ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હૈરિસની હાજરીથી અંદાજો લગાવાઇ રહ્યો હતો કે ભારતીયોનું સમર્થન ડેમોક્રેટસને મળશે. જો કે મોટી સંખ્યામાં ભારતીય ટ્રમ્પના પણ સમર્થક છે અને જોરદાર તેના માટે પ્રચાર પણ કર્યો હતો. ખાસ કરીને ભારતીય વડાપ્રધાન મોદીની સાથે ટ્રમ્પના સંબંધ ઘણા સારા રહ્યા છે. તેની અસર ભારતીયોના ટ્રમ્પની તરફ રૂઝાન તરીકે જોયું છે.

(7:53 pm IST)