Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

જેએનયુ હિંસા : બુરખાધારી શખ્સની ઓળખ કરી લેવાઈ

પોલીસ ટીમ કેસને ઉકેલવાની બિલકુલ નજીક : તોફાની તત્વોના સંદર્ભમાં મહત્વપૂર્ણ કડી મળી : જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થીઓ-શિક્ષકો એકઠા થતાં મજબૂત સુરક્ષા

નવીદિલ્હી, તા. ૮ : દિલ્હીમાં જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (જેએનયુ) કેમ્પસમાં થયેલી હિંસામાં દેખાયેલા બુરખાધારી શખ્સોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે જે પૈકી કેટલાકની ઓળખ કરી લેવામાં આવી હોવાનો દાવો પોલીસે કર્યો છે. રવિવારના દિવસે જેએનયુ કેમ્પસમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. કેસને ઉકેલવામાં મહત્વની કડીઓ ચાવીરુપ ભૂમિકા અદા કરી શકેછે.

વિદ્યાર્થીઓ અને શિક્ષકો મોટાપાયે એકત્રિત થઇ ગયા બાદ પોલીસે આજે સાવચેતીના વિવિધ પગલા લીધા હતા. વિદ્યાર્થીઓ અને શિક્ષકો આજે જેએનયુ સંકુલમાં એકત્રિત થયા હતા. રવિવારના દિવસે રાત્રે જેએનયુમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી. કારણ કે, છડીઓ અને અન્ય હથિયારો સાથે બુરખાધારી લોકોની ટોળકીએ વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપર હુમલા કર્યા હતા. સંપત્તિને નુકસાન પહોંચાડ્યું હતું. દિલ્હી પોલીસ હવે બુરખાધારી શખ્સોને ઓળખી કાઢી જેએનયુ કેસને ઉકેલવાની નજીક પહોંચી ચુકી છે. યુનિવર્સિટીમાં થયેલી આ હિંસામાં જેએનયુ સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ એઇસી ઘોષ સહિત ૩૫ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકોને એમ્સ ટ્રોમા સેન્ટર અને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તમામ પૈકીના મોટાભાગના લોકોને રજા આપી દેવામાં આવી છે. દિલ્હી પોલીસ દ્વારા કેસને ઉકેલવા માટે જુદા જુદા એંગલથી તપાસ હાથ ધરી છે. એફઆઈઆર પણ નોંધવામાં આવી ચુકી છે. સંપત્તિને નુકસાન પહોંચાડવા અને મારામારીના સંદર્ભે કેસ નોંધવામાં આવી ચુકી છે. બુરખાધારી શખ્સોને કઠોર સજા કરવાની માંગ ઉઠી રહી છે. એવી માંગ પણ થઇ રહી છે કે જે તોફાની શખ્સો હતા તેમને વહેલીતકે ઓળખી કાઢવામાં આવે. સર્વરને નુકસાન પહોંચાડવામાં આવ્યા બાદ તેમની ઓળખવિધિ મુશ્કેલ બની રહી છે.જો કે, પોલીસ મામલાની જડ સુધી પહોંચવા માટે તૈયાર દેખાઈ રહી છે.

(7:49 pm IST)