Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

મમતા બેનર્જી ભગવા રંગમાં દેખાતા ભાજપે કરેલા પ્રહારો

મમતા બેનર્જી પાખંડ કરી રહ્યા છે : વિજયવર્ગીય : પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ટીએમસી અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ વધુ તીવ્ર : રાજકીય ગરમી

કોલકાતા, તા. ૮ : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલા તૃણમુલ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે શાબ્દિક યુદ્ધ તીવ્ર બની ગયું છે. બંને પક્ષો એકબીજા ઉપર પ્રહાર કરી રહ્યા છે. ગંગાસાગરના પ્રવાસે પહોંચેલા મુખ્યમંત્રી અને ટીએમસીના નેતા મમતા બેનર્જીએ પુજારીઓ દ્વારા આપવામાં આવેલા ભગવા શાખામાં નજરે પડ્યા હતા. મમતા બેનર્જી ભગવા અવતારમાં આવતા ભારતીય જનતા પાર્ટીએ આક્ષેપો કર્યા હતા. ભાજપના નેતા અને પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પ્રભારી કૈલાશ વિજયવર્ગીયએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, એક સમયે જયશ્રી રામના નામ સાંભળીને બંગાળના મુખ્યમંત્રી લાલઘૂમ થઇ જતાં પરંતુ આજે ગંગાસાગરમાં કપિલ મુનિ મંદિરમાં ભગવામાં નજરે પડ્યા હતા અને પુજા કરી હતી. મમતા બેનર્જીમાં ફેરફાર થયા છે કે પછી પાખંડ કરી રહ્યા છે તેને લઇને પ્રશ્નો થઇ રહ્યા છે. થોડાક દિવસ પહેલા નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીને લઇને મમતા બેનર્જી અને ભાજપ વચ્ચે તલવારો ખેંચાઈ ગઈ હતી. મમતા બેનર્જીએ આજે ફરી એકવાર નાગરિક કાનૂન, એનપીઆર અને એનઆરસીના મુદ્દા ઉપર સરકાર ઉપર પ્રહાર કર્યા હતા. દક્ષિણ ૨૪પરગનામાં આયોજીત એક રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું હતું કે, જો કોઇ પારસ્પરિકરીતે કોઇપણ પ્રકારની માહિતી આપતા નથી તો તેમની પાસેથી માહિતી એકત્રિત કરવાની જરૂર છે. એનઆરસીના મુદ્દે ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે મારામારી પણ થઇ ચુકી છે. પશ્ચિમ બંગાળમાં ભાજપ  અને ટીએમસી વચ્ચે સૌથી વધારે ખેંચતાણ રહી છે. કારણ કે, લોકસભાની ચૂંટણી દરમિયાન બંને પક્ષોના કાર્યકરો વચ્ચે જોરદાર મારામારી થઇ હતી. અનેક લોકોના મોત પણ થયા હતા. હવે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ અને ટીએમસી આમને સામને આવી ગયા છે.

(7:49 pm IST)