Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

PayTM ઈ-વોલેટ વપરાશકર્તાઓને લાગ્યો મોટો ઝાટકો : ક્રેડીટ કાર્ડથી પોતાના ઈ-વોલેટમાં મહીને 10 હજારથી વધુ રકમ લોડ કરશો તો હવે ચૂકવવો પડશે 2% ચાર્જ

બેંગ્લોર : નવા વર્ષમાં પેટીએમ વપરાશકર્તાઓને ક્રેડિટ કાર્ડથી ઇ-વોલેટમાં નાણાં લોડ કરવાનું મોંઘું લાગશે. પેટીએમ વપરાશકર્તાઓએ તેમના ઇવોલેટમાં ક્રેડિટ કાર્ડ થકી, એક મહિનામાં 10,000 રૂપિયાથી વધુ લોડ કર્યા હોય તો 2% ફી ચૂકવવી પડશે. કંપનીએ પોતાની નવી નીતિમાં આ માહિતી આપી છે.

જો કે ઈ-વોલેટમાં ડેબિટ કાર્ડ અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇંટરફેસ (UPI)થી ટોપ-અપ કરવા પર હાલ કોઈ ચાર નહી લાગે તેમ પણ કંપનીએ જણાવ્યું હતું. આ બાબતની જાણકારી ધરાવતા લોકો કહે છે કે કંપનીએ આ પ્રકારનો નિર્ણય, આવા વ્યવહાર કરવા પાછળ થતો ખર્ચ બચાવવા લીધો છે. પેટીએમએ ટ્વીટ કરીને કહ્યું છે કે "જો ક્રેડિટ દ્વારા કુલ રકમ 10,000 રૂપિયાથી વધુ હોય, તો પછી વપરાશકર્તાએ ટ્રાન્ઝેક્શનની કુલ રકમ પર 1.75% + જીએસટી ચૂકવવું પડશે."

પેટીમે આ પ્રકારનું પગલુ ભરવાનો વિચાર પહેલીવાર નથી કર્યો, એક વર્ષ પહેલા પણ તેણે આવી ફી લાદવાનું વિચાર્યું હતું, પરંતુ તેનો અમલ તે વખતે કર્યો નહોતો. આ પરિવર્તન અંગે હવે વપરાશકર્તાઓની પ્રતિક્રિયા શું હશે તે જોવાનું રહ્યું...

(4:59 pm IST)