Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

નહીં પડે કીબોર્ડની જરૂર! સેમસંગ લાવ્યું આ નવી ટેકનોલોજી

નવી દિલ્હી, તા.૮: દિગ્ગજ ટેક કંપની સેમસંગ ટેક શો CES 2020માં એક અનોખી ટેકનોલોજી શોકેસ કરશે. આ ટેકનોલોજીને 'સેલ્ફી ટાઈપ' નામ આપવામાં આવ્યું છે. આ ટેકનોલોજીની મદદથી તમારે કીબોર્ડ પર નિર્ભર નહીં રહેવું પડે. સેમસંગની આ અનોખી ટેકનોલોજી કોઈ પણ સપાટીને કીબોર્ડ બનાવી શકે છે. 'સેલ્ફી ટાઈપ'ટેકનોલોજી સાથે જોડાયેલો એક વિડીયો પણ કંપનીએ શેર કર્યો છે.

સેમસંગનું આ અદ્રશ્ય કીબોર્ડ ફોનના ગેલેકસી સેલ્ફી કેમેરા પ્લસ AIના ઉપયોગ કરે છે. આ દ્વારા કેમેરા યૂઝરના હાથોની મૂવમેન્ટને ટ્રેક કરે છે જેથી તમે અદ્રશ્ય કીબોર્ડનો ઉપયોગ કરી શકશો. આ માટે તમે કોઈપણ સપાટીનો કીબોર્ડ તરીકે ઉપયોગ કરી શકો છો. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે.

ખૂબ જ સરળતાથી આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકાય છે. આ માટે તમારે ફોનને વર્ટીકલ સ્થિતિમાં રાખવો પડશે અને ત્યારબાદ ટાઈપિંગ કરી શકો છો.

જો તમે ગેલેકસી ફોલ્ડનો ઉપયોગ કરો છો તો L શેપમાં રાખીને કોઈપણ સપાટીને કીબોર્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. હાલ આ સેલ્ફી ટાઈપ કીબોર્ડમાં માત્ર અંગ્રેજી ભાષા સપોર્ટ કરે છે.

(11:44 am IST)