Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

૧૩મીએ દિલ્હીમાં તમામ વિપક્ષોની બેઠક

સોનીયા-મમતા સહિતના નેતાઓ જોડાશે : સરકાર વિરૂધ્ધ ઘડાશે રણનીતિ : દેશની વર્તમાન સ્થિતિ ઉપર ચર્ચા કરશે

નવી દિલ્હી તા ૮  :  દેશની વર્તમાન પરિસ્થિતી પર પોતાની ભાવિ રણનીતીની ચર્ચા કરવાની યોજના વિપક્ષોએ બનાવી છે. તેને ધ્યાનમાં રાખીને આગામી તા.૧૩ ફેબ્રુઆરી સોમવારે બધા વિપક્ષી દળો એક મીટીંગ કરવાના છે, જેમાં જેએનયુના હાલના ઘટનાક્રમથી માંડીને સીએએ અને એનઆરસી સહિતના બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થવાનું કહેવાઇ રહયું છે. સુત્રો અનુસાર, દેશના વર્તમાન ઘટનાક્રમ પછી વિપક્ષી દળો વચ્ચે અંદરોઅંદર વાતચીત થયા પછી આ મીટીંગની યોજના બની છે. મીટીંગમાં ભાગ લેવા માટે ટીએમસી ચીફ અને બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી ખાસ દિલ્હી આવવાના છે. આમા યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત બધા મુખ્ય પક્ષોના નેતાઓ જોડાવાનું કહેવાઇ રહયું છે. વિપક્ષી દળોના આ મહત્વપૂર્ણ મીટીંગ સંસદભવન એનેક્ષીમાં બપોરે આયોજીત કરવામાં આવશે.

જે રીતે વડાપ્રધાન મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તથા ભાજપા ''ટુકડે-ટુકડે ગેંગ'' કહીને સતત વિપક્ષો પર હુમલો કરી રહયા છે, તે જોતા વિપક્ષો પલટવારની યોજના બનાવવા જઇ રહયા છે, જે રીતે લોકસભા ચુંટણી પછી મહારાષ્ટ્ર અને ઝારખંડ જેવા રાજયો ભાજપાના હાથમાંથી સરકી ગયા છે, તેનાથી વિપક્ષોનું મનોબળ વધી ગયું છે.તેને લાગે છે કે હવે મોદી અને ભાજપાને પડકાર આપી શકાય તેમ છે.

જયારે બીજી બાજુ, જે રીતે ભાજપા અને મોદી સરકારે સીએએ અને એનઆરસી બાબતે દેશભર ૩ કરોડ પરિવારો સુધી પહોંચવાની કસરત શરૂ કરી છે તેને જોતા તેના જવાબ માટે વિપક્ષો પોતાની એક સહિયારી રણનીતી અંગે ચર્ચા કરવા માંગે છે. આ  ઉપરાંત મોંઘવારી, પેટ્રોલ અને ગેસની વધતી કિંમતો સહિત આર્થિક મુદ્દાઓ બાબતે પણ ચર્ચા થશે, જણાવાય રહયું છે કે, વિપક્ષો મોદી સરકારના વિરોધ માટે આક્રમક વલણ અપનાવી શકે છે. તે આના માટે દેશભરમાં વાતાવરણ તૈયાર કરવા માંગે છે. આના માટેની રૂપરેખા આ મીટીંગમાં બને તેવી આશા છે. બજેટ સત્ર પહેલા વિપક્ષો એક થઇને સરકારને ઘેરવાના પ્રયત્ન કરે ધ્યાનમાં રાખતા આ મીટીંગ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(11:42 am IST)