Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઈરાનની સંસદમાં સુલેમાનીનો બદલો લેવા કરાયો સંકલ્પ

ઈરાનની સંસદમાં અમેરિકન સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન થયું

તેહરાન, તા.૮: ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકા દ્વારા કરાયેલી હત્યા પછી હવે બંને દેશો વચ્ચે યુદ્ઘની સ્થિતિ ઊભી થઈ છે. ઈરાનમાં અમેરિકા વિરુદ્ઘ ગુસ્સાનો માહોલ છે. આ બધા વચ્ચે ઈરાનની સંસદમાં અમેરિકન સેના અને પેન્ટાગનને આતંકી સંગઠન જાહેર કરવાના સમર્થનમાં મતદાન થયું. ઈરાનના સરકારી મીડિયા અનુસાર, સાંસદોએ સુલેમાનીની હત્યાના વિરોધમાં આ પ્રસ્તાવ પાસ કર્યો. અમેરિકા અને ઈરાનના ટોચના નેતાઓ એકબીજા પર આકરા નિવેદન કરી રહ્યા છે.

ઈરાની મીડિયા અનુસાર, સંસદમાં બિલ પાસ થયા પહેલા અમેરિકા અને ઈઝરાયલની સખ્ત નિંદા કરવામાં આવી. સાંસદોએ સુલેમાનીની હત્યાનો બદલો લેવા અને અમેરિકા-ઈઝરાયલને પાઠ ભણાવવાનો સંકલ્પ કર્યો. આ અગાઉ પાંચ જાન્યુઆરીએ સંસદમાં સાંસદોએ અમેરિકાની મોતના નારા લગાવ્યા હતા. સોમવારે સુલેમાનીની અંતિમ યાત્રા દરમ્યાન લોકોના ટોળાં તેહરાનના રસ્તાઓ પર ઉતરી આવ્યા. હાથમાં પ્લેકાર્ડ લઈને પહોંચેલા આ લોકોએ અમેરિકા અને ઈઝરાયલ વિરુદ્ઘ જોરદાર નારેબાજી કરી.

તેહરાન યુનિવર્સિટીમાં સુલેમાનીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યમાં લોકો ભેગા થયા હતા. સ્થાનિક નિવાસીએ તેમના કમાન્ડરના પોસ્ટર લઈને આવ્યા હતા અને જોર જોરથી નારા લગાવ્યા હતા. તેમના કમાન્ડરને અંતિમ વિદાઈ આપતી વખતે દેશના સર્વોચ્ચ નેતા ખામનેઈ ખૂબ જ ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા. નમાઝ દરમ્યાન પણ તેમનો અવાજ અનેક વખત રૃંધાઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે બગદાદ આંતરાષ્ટ્રીય વિમાનમથક પર અમેરિકાએ ડ્રોન વડે હુમલો કર્યો હતો જેમાં સુલેમાનીનું મોત થયું હતું. હુમલો ઈરાન માટે મોટા ઝટકા સમાન છે અને પશ્યિમ એશિયામાં નવા સ્તર પર યુદ્ઘની આશંકાઓને પ્રોત્સાહન મળ્યું છે. ઈરાને ૨૦૧૫ પરમાણુ સમજૂતીમાંથી છૂટા પડવાની જાહેરાત કરી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ પણ અને વખત કહી ચૂકયા છે કે, ઈરાન અમેરિકન પ્રતિષ્ઠાનોને નુકસાન પહોંચાડશે તો તેમને કડક વલણ દાખવી જવાબ આપવામાં આવશે.

(10:53 am IST)