Gujarati News

Gujarati News

News of Wednesday, 8th January 2020

ઈરાની જનરલ કાસીમ સુલેમાનીના જનાજામાં ભાગદોડ મચી : ૩૫ મોત થયા

૧૦ લાખથી લોકો જનાજામાં ઉમટી પડ્યા : જનશૈલાબ વચ્ચે ભાગદોડ મચતા ૪૮થી વધુ લોકો ઘાયલ ગૃહનગરમાં દફનવિધિ કરવામાં આવી : તમામ પહોંચ્યા

કરમાન, તા. ૭ : ઇરાનના જનરલ કાસીમ સુલેમાનીના જનાજામાં જોરદાર ભાગદોડ મચી જતાં ઓછામાં ઓછા ૩૮ લોકોના મોત થયા છે જ્યારે ૪૮થી વધુ લોકો ઘાયલ થયા છે. અહેવાલ મળ્યા છે કે, સુલેમાનીના શહેર કરમાનમાં આ ભાગદોડ મચી ગઈ હતી જ્યાં સુલેમાનીના જનાજાના જુલુસમાં ૧૦ લાખથી પણ વધારે લોકો ઉમટી પડ્યા હતા. ઇરાકના બગદાદમાં અમેરિકી ડ્રોન હુમલામાં માર્યા ગયેલા લોકપ્રિય સૈન્ય કમાન્ડર કાસીમ સુલેમાનીની દફનવિધિ કરવામાં આવી ચુકી છે. ઇરાકના અમેરિકાના ડ્રોન હુમલામાં તેમનું મોત થયું હતું. રિવોલ્યુશનરી ગાર્ડની વિદેશી શાખાના કમાન્ડરના ગૃહનગરમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. તહેરાન, કોમ, મશહદ, અહવાઝમાં પણ લોકો જાહેર માર્ગો ઉપર ઉમટી પડ્યા હતા.

            મોટી સંખ્યામાં લોકો સ્વતંત્રતા શોક ઉપર જમા થયા હતા જ્યાં રાષ્ટ્રીય ધ્વજમાં લપેટાયેલી બે કોફિન મુકવામાં આવી હતી. એક કોફિનમાં સુલેમાની અને બીજી કોફિનમાં સાથી બ્રિગેડિયર જનરલ હુસૈન પુર જાફરી રહ્યા હતા. શ્રદ્ધાંજલિ આપવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ ઉપર શુક્રવારે બગદાદ નજીક ભીષણ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. આ ડ્રોન હુમલામાં સુલેમાની અને અન્ય લોકોના મોત થયા હતા. હુમલા બાદ ઇરાન અને અમેરિકા વચ્ચે તંગદિલી વધી ગઈ છે અને ઇરાન બદલો લેવા માટે તૈયાર છે. સુલેમાનીને બે વાગ્યાથી લઇને ચાર વાગ્યા વચ્ચે દફનવિધિ કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ઇરાનના સર્વોચ્ચ લીડર અયાતુલ્લા અલી ખામનેઈ પણ દફનવિધિ વેળા રડી પડ્યા હતા. બીજી બાજુ સુલેમાનીની પુત્રી જેનબે કહ્યું છે કે, તેમના પિતાના મોતથી હવે અમેરિકા અને ઇઝરાયેલ માટે ખરાબ દિવસો શરૂ થશે.

(12:00 am IST)