Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

મોદી સરકારને સુપ્રીમનો ફટકો : CBI ચીફ વર્માને હટાવવાનો નિર્ણય રદ્દ

કોર્ટે સીવીસીના નિર્ણયને પલટાવ્યોઃ વર્મા જ રહેશે સીબીઆઇના ચીફ : ચીફ જસ્ટિસ ગોગોઇ રજા પર હોવાથી જસ્ટિસ એસ.કે.કૌલ - કે.એમ.જોસેફે આપ્યો ચુકાદો

નવી દિલ્હી તા. ૮ : દેશની સૌથી મોટી તપાસ એજન્સી કેન્દ્રીય તપાસ બ્યુરોમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને તગડો ઝટકો આપ્યો છે. કોર્ટે સિવિસીના નિર્ણયને પલટાવીને આલોક વર્માને રજા પર મોકલવાના નિર્ણયને રદ્દ કરી દીધો છે. આ નિર્ણયની સાથે એ સ્પષ્ટ થઇ ચુકયું છે કે, આલોક વર્મા સીબીઆઇના ચીફ રહેશે પરંતુ નિતીગત નિર્ણય લઇ શકશે નહિ.

ચીફ જસ્ટીસ રજા પર હોવાના કારણે જસ્ટિસ કે.એન.જોસેફ અને જસ્ટિસ એસ.કે. કૌલની બેંચે તેના પર નિર્ણય સંભળાવ્યો હતો. ૬ ડિસેમ્બરે આ મામલે બંને પક્ષોને સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. રાકેશ અસ્થાનાની સાથે વિવાદના કારણે તેમની સત્તા છીનવા અને રજા પર મોકલવા વિરૂધ્ધ અરજી દાખલ કરી હતી. અસ્થાના અને વર્મા વચ્ચે ભ્રષ્ટાચાર અંગે છેડાયેલી જંગ સાર્વજનિક થયા બાદ કેન્દ્રની મોદી સરકારે બંને અધિકારીઓને રજા પર મોકલી દીધા હતા.

સીબીઆઈના નિદેશક આલોક વર્મા અને સીબીઆઈના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાનાએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપો લગાવ્યા હતા. આ મામલે સીબીઆઈની આંતરીક ખેંચતાણ વધતા કેન્દ્ર સરકારે સીવીસીની ભલામણના આધારે આલોક વર્મા અને રાખેશ અસ્થાનાને ૨૩ ઓકટોબરે ફોર્સ લીવ પર મોકલ્યા હતા. કેન્દ્ર સરકારે તેની સાથે જ બ્યૂરોના સંયુકત નિદેશક એમ. નાગેશ્વરરાવને તપાસ એજન્સીના નિદેશકનો વચગાળાનો કાર્યભાર સોંપ્યો હતો. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કે. એમ. જોસેફની ખંડપીઠે ગત વર્ષ છ ડિસેમ્બરે આલોક વર્માની અરજી પર વર્મા, સીવીસી અને અન્યની દલીલો પર સુનાવણી પૂર્ણ કરતા કહ્યુ હતુ કે આના સંદર્ભે બાદમાં ચુકાદો આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટની ખંડપીઠે એનજીઓ કામન કાજની અરજી પર પણ સુનાવણી કરી હતી. આ એનજીઓએ સુપ્રીમ કોર્ટના મોનિટરિંગમાં એસઆઈટી દ્વારા રાકેશ અસ્થાના સહીત તપાસ એજન્સીના તમામ અધિકારીઓ પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરવાનો અનુરોધ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે સીબીઆઈની ગરિમાને જાળવી રાખવાના ઉદેશ્યથી કેન્દ્રીય વિજિલન્સ કમિશનના કેબિનેટ સચિવને મળીને પત્રમાં લગાવવામાં આવેલા આરોપોની તપાસ બે સપ્તાહની અંદર પૂર્ણ કરીને પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં સોંપવાનો નિર્દેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે સીવીસીની તપાસનું મોનિટરિંગ કરવાની જવાબદારી સેવાનિવૃત્ત જસ્ટિસ એ. કે. પટનાયકને સોંપવામાં આવી હતી.(૨૧.૧૭)

(11:30 am IST)