Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2023

ઘરોમાં વીજળી નથી : રસ્‍તાઓ પાણી-પાણી : ચેન્‍નાઇ ક્‍યારે પાટા પર આવશે ?

ચક્રવાત મિચોંગે ચેન્‍નાઇમાં તબાહી મચાવી છે : વહીવટી તંત્રે ૩૭૨ રાહત કેન્‍દ્રો સ્‍થાપ્‍યા છે, જેમાં લગભગ ૪૧,૪૦૦ લોકો રહે છે : સીએમ એમ.કે.સ્‍ટાલિને પરિસ્‍થિતિનો સામનો કરવા માટે કેન્‍દ્ર સરકાર પાસેથી રૂા. ૫,૦૬૦ કરોડની પૂર રાહત રકમ જાહેર કરવાની માંગ કરી છે

ચેન્‍નાઇ તા. ૭ : ચક્રવાત મિચોંગે તમિલનાડુમાં ભારે તબાહી મચાવી છે. સતત મુશળધાર વરસાદને કારણે રાજયના અનેક શહેરો જળબંબાકાર બની ગયા છે. સૌથી ખરાબ સ્‍થિતિ રાજધાની ચેન્નાઈની હતી, જયાં એરપોર્ટથી જ લોકોના ઘર વરસાદી પાણીથી ભરાઈ ગયા હતા. મિચોંગના વિનાશને બે દિવસ વીતી ગયા હોવા છતાં અહીંના લોકોને ભારે મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ગત બુધવારે પણ લોકોને પાણી ભરાવા અને વીજકાપ જેવી અનેક સમસ્‍યાઓનો સામનો કરવો પડ્‍યો હતો. આવી સ્‍થિતિમાં સ્‍થાનિક રાહત અને પુનર્વસનના પ્રયાસો તેજ કરવામાં આવ્‍યા છે. તે જ સમયે, સરકારનું કહેવું છે કે થોડા વરસાદ અને તેજ પવનને કારણે કેટલાક વિસ્‍તારોમાં ઇલેક્‍ટ્રિક વાયર પાણીમાં પડી ગયા છે, તેથી સાવચેતીના ભાગરૂપે, વીજળી કાપી નાખવામાં આવી છે, જો કે પરિસ્‍થિતિને જલ્‍દી સામાન્‍ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મિચોંગમાં પડેલા વરસાદને કારણે વેલાચેરી અને તાંબરમ સહિત અનેક વિસ્‍તારોમાં પૂરની સ્‍થિતિ સર્જાઈ છે. ગત બુધવારે પણ સમસ્‍યાઓના કારણે લોકો ઘર છોડીને સલામત સ્‍થળે ગયા હતા. આ દરમિયાન તેમણે રસ્‍તાઓ પર ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થવું પડ્‍યું હતું. આવી સ્‍થિતિમાં લોકોએ વહીવટીતંત્રને બોટ મોકલવા સહિત અન્‍ય મદદ માટે વિનંતી કરી છે. વરસાદના કારણે લોકો રાહત છાવણીમાં રહે છે. વરસાદને કારણે ૬ લોકોએ જીવ પણ ગુમાવ્‍યા છે. બચાવકર્મીઓ દ્વારા ઘણા લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્‍યા છે.

રાજયના મુખ્‍યમંત્રી એમ.કે. સ્‍ટાલિન પરિસ્‍થિતિ પર નજર રાખી રહ્યા છે. તેમણે ત્‍યાંની સ્‍થિતિ જાણવા માટે ઘણા પાણી ભરાયેલા વિસ્‍તારોની મુલાકાત લીધી હતી અને રાહત શિબિરોમાં રહેતા લોકોને જરૂરી વસ્‍તુઓનું વિતરણ પણ કર્યું હતું. તેમજ પાણી કાઢવાના પ્રયાસોની માહિતી લીધી હતી. સીએમએ કેન્‍દ્ર સરકાર પાસેથી મદદની અપીલ કરી છે, તેમણે કેન્‍દ્ર સરકારને પત્ર લખીને ૫,૦૬૦ કરોડ રૂપિયાની પૂર રાહત રકમ જાહેર કરવાની માંગ કરી છે.

માહિતી આપતાં રાજયના મુખ્‍ય સચિવ શિવદાસ મીણાએ જણાવ્‍યું હતું કે વિસ્‍તારોમાંથી પાણી કાઢવામાં આવી રહ્યું છે અને પીવાના પાણીની સપ્‍લાય પણ સુનિતિ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે NDRF અને SDRFના જવાનો સંપૂર્ણ રીતે તૈયાર છે. લોકોને ખોરાક અને દૂધ જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. મુખ્‍ય સચિવે કહ્યું કે ઉત્તર અને દક્ષિણ ચેન્નાઈના કેટલાક વિસ્‍તારોમાં હવાઈ માર્ગે ફૂડ પેકેટ પણ આપવામાં આવ્‍યા છે. તેમણે એમ પણ જણાવ્‍યું કે જે વિસ્‍તારોમાં સૌથી વધુ અસર થઈ છે ત્‍યાં બોટની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. ડૂબી ગયેલા વિસ્‍તારોમાં ૨૦૦દ્મક વધુ બોટ તૈનાત કરવામાં આવી છે.

મુખ્‍ય સચિવે એમ પણ કહ્યું કે વિવિધ જિલ્લાઓમાં ૩૭૨ રાહત કેન્‍દ્રો બનાવવામાં આવ્‍યા છે, જેમાં લગભગ ૪૧,૪૦૦ લોકો રહે છે. તેમણે એમ પણ કહ્યું કે ચાર જિલ્લાઓ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા છે. જેમાં ચેન્નાઈ, તિરૂવલ્લુર, કાંચીપુરમ અને ચેંગલપેટનો સમાવેશ થાય છે, જયાં ૮૦૦ થી વધુ વિસ્‍તારો પાણીથી ભરેલા છે. લગભગ ૧૯,૦૦૦ લોકોને આ સ્‍થળોએથી બહાર કાઢીને રાહત શિબિરોમાં મોકલવામાં આવ્‍યા છે.

વરસાદ બાદ વિમાનોનું સંચાલન બંધ કરી દેવામાં આવ્‍યું હતું, જે હવે ફરી શરૂ કરવામાં આવ્‍યું છે. દક્ષિણ રેલવેએ ઘણી રેલ સેવાઓ રદ કરી છે જયારે ઘણી ટ્રેનોના રૂટ બદલવામાં આવ્‍યા છે. જોકે, રેલવેએ ગુરુવારથી ચેન્નાઈ બીચ-ચેંગલપેટ અને ચેન્નાઈ સેન્‍ટ્રલ-અરક્કોનમ અને ચિંતાદ્રિપેટ-વેલ્લાચેરી રૂટ પર સેવાઓ ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે.

(11:30 am IST)