Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

માખીના આતંકને કારણે યુગલોના દાંપત્‍ય જીવન થઈ રહ્યા છે પ્રભાવિત

લોકોને ખાવા પીવા સહિત રાતના સુવામાં પણ મુશ્‍કેલી થઇ રહી છે

લખનૌ,તા. ૭: ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાના ગામોમાં માખીઓના આતંકથી લોકો પરેશાન થઈ રહ્યા છે. આ કારણે ત્‍યાંના લોકોના દાંપત્‍ય જીવનને ગંભીર અસર થઈ રહી છે. આશરે ૫,૦૦૦થી વધુ લોકો માખીના આતંકથી પ્રભાવિત થયા છે. આ ગામોમાં રહેતા લોકોને ખાવા-પીવા સહિત રાતના સૂવામાં પણ મુશ્‍કેલી થઈ રહી છે. માખીના આતંકથી છૂટકારો મેળવવા માટે સ્‍થાનિકોએ વિરોધ પ્રદર્શન કરીને ઘણી જગ્‍યાએ ફરિયાદો કરી પરંતુ કોઈ સુનાવણી ન થતાં મુશ્‍કેલીનો અંત આવી રહ્યો નથી. સ્‍થાનિક પ્રશાસન પ્રદૂષણ વિભાગની જવાબદારી જણાવીને જવાબદારીથી હાથ ખંખેરી રહ્યું હોવાનું સૂત્રોએ જણાવ્‍યું હતું.

ગામમાં રહેતા એક સ્‍થાનિકે જણાવ્‍યું હતું કે માખીઓના ત્રાસથી પરેશાન થઈને મારી પત્‍ની પાછી તેના મોસાળમાં જતી રહી હતી. માખીઓને કારણે તે પાછી પોતાના સાસરે આવવા તૈયાર નથી અને માખીને કારણે અમારા સંબંધો મુશ્‍કેલીમાં મૂકાયા છે. આવા અનેક કિસ્‍સાઓ બની રહ્યા છે. 

(10:48 am IST)