Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કોલકાતા પોલીસે પરેશ રાવલને પાઠવ્‍યા સમન્‍સ

બંગાળીઓ વિશે કરેલી ટિપ્‍પણી ભારે પડીઃકોલકાતા પોલીસે સોમવારે હાજર રહેવા કહ્યું

મુંબઇ,તા. ૭: અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલને ગુજરાતમાં ચૂંટણી રેલીમાં બંગાળીઓ વિશે કરેલી ટિપ્‍પણીને લઈને કોલકાતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્‍યા છે. ન્‍યૂઝ એજન્‍સી ANI અનુસાર, કોલકાતા પોલીસે પરેશ રાવલને સોમવારે હાજર રહેવા કહ્યું છે. પૂર્વ સાંસદ અને CPI(M)ના નેતા મોહમ્‍મદ સલીમે પરેશ રાવલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

મોહમ્‍મદ સલીમે પોલીસને લખેલા તેમના પત્રમાં જણાવ્‍યું હતું કે, ‘રાજયની સરહદોની બહાર મોટી સંખ્‍યામાં બંગાળીઓ રહે છે. મને ડર છે કે પરેશ રાવલ દ્વારા કરવામાં આવેલી અભદ્ર ટિપ્‍પણીઓને કારણે તેમાંથી પ્રભાવિત થશે.'

તેઓ ઈચ્‍છે છે કે પરેશ રાવલ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમો હેઠળ દુશ્‍મનાવટ, ઈરાદાપૂર્વક અપમાન, જાહેર દુષ્ટતા વગેરેને પ્રોત્‍સાહન આપવા બદલ કેસ નોંધવામાં આવે. બંગાળીઓ પર પરેશ રાવલની ટિપ્‍પણીએ પશ્ચિમ બંગાળમાં તોફાન મચાવ્‍યું છે. શાસક તૃણમૂલ કોંગ્રેસે પણ તેમના વિવાદાસ્‍પદ નિવેદન સામે સખત વાંધો વ્‍યક્‍ત કર્યો છે.

ગુજરાતમાં એક રેલીમાં પરેશ રાવલે કહ્યું કે ‘ગુજરાતના લોકો મોંઘવારી સહન કરશે, પરંતુ પડોશમાં ‘બાંગ્‍લાદેશી અને રોહિંગ્‍યા' નહીં.' આ સાથે પરેશ રાવલે બંગાળીઓ માટે ‘કુકિંગ ફિશ' જેવા સ્‍ટીરિયોટીપિકલ શબ્‍દનો ઉપયોગ કર્યો હતો, જેનાથી બંગાળીઓ નારાજ થયા હતા.

જોકે, પીઢ અભિનેતાએ માફી માગી તેમની ટિપ્‍પણીઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરેશ રાવલે દાવો કર્યો હતો કે જયારે તેમણે ‘બંગાળી'શબ્‍દનો ઉપયોગ ‘ગેરકાયદે બાંગ્‍લાદેશી અને રોહિંગ્‍યા' માટે કર્યો હતો. ઘણાએ તેને બંગાળીઓ પર ‘દ્વેષયુક્‍ત ભાષણ'ગણાવ્‍યું હતું.

(10:47 am IST)