Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ખેડૂતોના ભારત બંધને અન્ના હજારેનું સમર્થન : મૌન વ્રત પાળશે

અન્ના હઝારેએ આપેલું સમર્થન ખેડૂતોના ઉત્સાહમાં વધારો કરશે.

મુંબઈ :  જાણીતા સામાજીક કાર્યકર અને જેમણે ભષ્ટ્રાચારની વિરુધ્ધમાં લાંબુ આંદોલન કર્યુ હતું તેવા મોટી વયના અન્ના હઝારેએ ખેડૂતોના 8 ડિસેમ્બરના ભારત બંધના એલાનને સમર્થન જાહેર કર્યું છે અને તેમણે કહ્યું કે મંગળવારે ભારત બંધના દિવસે પોતે મૌન વ્રત પાળશે.

 કૃષિ કાયદા માટે દિલ્લીમાં અડીંગો જમાવીને બેઠેલો ખેડૂતોએ 8મી ડિસેમ્બરે ભારત બંધનું એલાન આપ્યું છે અને રાજકીય પાર્ટીઓ, વેપારી સંગઠનો મોટા પાયે સમર્થન આપી રહી છે. તેવા સમયે અન્ના હઝારેએ આપેલું સમર્થન ખેડૂતોના ઉત્સાહમાં વધારો કરશે. ખેડૂત સંગઠનોના જણાવ્યા મુજબ 8 ડિસેમ્બર, મંગળવારે સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી આવશ્યક સેવાઓ સિવાય બંધુ બંધ રહેશે.

અન્ના હઝારે  તેમના આંદોલનને કારણે આખો દેશ તેમને ઓળખે છે, 83 વર્ષની વયે પહોંચેલા અન્નાએ ખેડૂતો અને દેશની સેવા માટે જીવનભર લગ્ન કર્યા નથી. અન્ના હઝારોનો જન્મ 15 જૂન 1937ના દિવસે મહારાષ્ટ્રના એક નાનકડા ગામ રાણેગણ સિધ્ધીમાં થયો હતો. તેમને 1992માં ગામની કાયા પલટ કરવા માટે પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા

(9:59 pm IST)