Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

દિલ્‍હી સરકાર ખેડૂતોની ચાકર છે, ખેડૂતોનો મુદ્દો અને તેમની માંગણી યોગ્‍ય છે, હું અને મારી પાર્ટી તેમના પડખેઃ અરવિંદ કેજરીવાલ હરિયાણા-દિલ્‍હી સરહદે આખી કેબિનેટ સાથે ખેડૂતોને મળ્‍યા

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 12માં દિવસે પણ ચાલુ છે. ખેડૂતો દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા છે અને સરકાર પાસે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા માટે માગણી કરી રહ્યા છે. આ બધા વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે હરિયાણા-દિલ્હી સરહદ પર Singhu border પર પોતાની આખી કેબિનેટ સાથે ખેડૂતોને મળવા માટે પહોંચ્યા. કેજરીવાલ સાથે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા પણ ખેડૂતોને આશ્વાસન આપતા જોવા મળ્યા. કેજરીવાલે ખેડૂતો સાથે મુલાકાત કરી અને ત્યાં સુવિધાઓની સમીક્ષા કરી તથા ખેડૂતોને કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની સેવાદાર છે.

અમે તમારા સેવાદાર-કેજરીવાલ

કેજરીવાલે ખેડૂતોની તમામ માગણીઓનું સમર્થન કરતા કહ્યું કે તેમની સરકાર ખેડૂતોની ચાકર છે. તેમણે કહ્યું કે ખેડૂતોનો મુદ્દો અને તેમની માગણી યોગ્ય છે. હું અને મારી પાર્ટી તેમના પડખે છીએ. ખેડૂતોનું આંદોલન શરૂ થયું તે સમયે દિલ્હી પોલીસે અમારી પાસે 9 સ્ટેડિયમને જેલમાં બદલવાની મંજૂરી માંગી હતી. મારા પર દબાણ સર્જ્યુ હતું પરંતુ મેં મંજૂરી ન આપી. તેમનો પ્લાન હતો, ખેડૂતોને દિલ્હી આવવા દઈશું અને જેલમાં રાખીશું. અમે લોકોએ અમારા અંતરાત્માનો અવાજ સાંભળ્યો અને સ્ટેડિયમ વાળી વાત ન સાંભળી.

કેજરીવાલે સુવિધાઓની કરી સમીક્ષા

સિંઘુ બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા ખેડૂતો ધરણા પર બેઠા છે. કેજરીવાલની પાર્ટી આમ આદમી પાર્ટીએ ખેડૂતોના 8મી ડિસેમ્બરના ભારત બંધને સમર્થન આપ્યું છે. કેજરીવાલની સાથે દિલ્હી સરકારના મંત્રીઓ પણ છે. તેઓ સિંઘુ બોર્ડર પર ખેડૂતો માટે કરવામાં આવેલી સુવિધાઓની સમીક્ષા કરી રહ્યા છે.

પાંચમા તબક્કાની વાતચીત પણ અનિર્ણિત

સરકાર અને પ્રદર્શનકારી ખેડૂતો વચ્ચે શનિવારે પાંચમા તબક્કાની વાતચીતનું કોઈ પરિણામ આવ્યું નહી. ત્યારબાદ કેન્દ્રએ ગતિરોધ ખતમ કરવા માટે 9 ડિસેમ્બરના રોજ એક બેઠક બોલાવી છે. ખેડૂત નેતા બલદેવ સિંહે કહ્યું કે આ આંદોલન ફક્ત પંજાબના ખેડૂતોનું આંદોલન નથી પરંતુ સમગ્ર દેશના ખેડૂતોનું છે. અમે અમારા આંદોલનને મજબૂત કરવા જઈ રહ્યા છીએ અને તે પહેલેથી જ આખા દેશમાં ફેલાઈ ચૂક્યું છે. તેમણે બંધને શાંતિપૂર્ણ બનાવવા સુનિશ્ચિત કરવાની અપીલ કરતા કહ્યું કે સરકાર અમારી સાથે સારો વ્યવહાર કરી રહી નહતી એટલે અમે ભારત બંધનું આહ્વાન કર્યું.

આ વિપક્ષી પાર્ટીઓએ આપ્યું સમર્થન

કોંગ્રેસ, ટીઆરએસ, ડીએમકે, શિવસેના, સપા, એનસીપી, અને આમ આદમી પાર્ટીએ સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્ધ ખેડૂત સંગઠનોના ભારત બંધના આહ્વાનને પોતાનું સમર્થન આપ્યું છે. આ વિપક્ષી પાર્ટીઓ અગાઉ શનિવારે પણ તૃણમૂલ કોંગ્રેસ, આરજેડી, અને ડાબેરી પક્ષોએ બંધને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું. દસ કેન્દ્રીય ટ્રેડ યુનિયનોએ પણ બંધનું સમર્થન કર્યું છે.

શરદ પવારે  કહ્યું દેશભરમાંથી આવશે લોકો

એનસીપીના પ્રમુખ અને પૂર્વ કેન્દ્રીય કૃષિ મંત્રી શરદ પવારે કહ્યું કે તેઓ ખેડૂતોના પ્રદર્શનને ગંભીરતાથી લે કારણ કે જો ગતિરોધ ચાલુ રહેશે તો ખેડૂત આંદોલન ફક્ત દિલ્હી સુધી સિમિત નહીં રહે પરંતુ દેશભરના લોકો ખેડૂતોના પડખે આવી જશે.

ખેડૂતોનું સરકારને અલ્ટીમેટમ

ખેડૂતોએ પણ હવે સરકારને અલ્ટીમેટમ આપી દીધુ છે કે જ્યાં સુધી નવા 3 કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી તેમનું આંદોલન ખતમ નહીં થાય. કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની સરહદો પર ડટેલા છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર રવિવારે ખેડૂત સંગઠનોની મહત્વની પ્રેસ કોન્ફરન્સ થઈ. જેમાં તેમણે આ સંદેશ આપ્યો. સંગઠનોએ ખેડૂતોને દિલ્હી  કૂચ કરવાની અપીલ પણ કરી છે.

પીએમ મોદી સાંભળે મન કી બાત

ખેડૂતોએ કહ્યું કે પોતાની માગણીઓ સાથે તેઓ સમાધાન કરવાના નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત તેઓ સાંભળે છે. હવે પીએમ મોદીએ પણ ખેડૂતોના મનની વાત સાંભળવી જોઈએ. ખેડૂત નેતા જગમોહને કહ્યું કે ખેડૂત નેતાઓ વચ્ચે વિચાર-વિમર્શ બાદ એ નક્કી થયું છે કે અમે અમારી માગણીઓ સાથે કોઈ સમાધાન કરશું નહીં. મોદીના મનની વાત અમે સાંભળીએ છીએ, હવે તેમણે અમારા મનની વાત સાંભળવાની છે.

(4:52 pm IST)