Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

'એડવેન્ચર ટુરીઝમ'ના શોખીનો માટે બીર-બિલિંગ ખાતે પેરાગ્લાઇડીંગ કરવાનો અનેરો રોમાંચ

ભારતમાં આવેલ વિશ્વની ચોથા નંબરની આ પેરાગ્લાઇડીંગ સાઇટ ઉપર ટ્રેકીંગ, બંજી જંપીંગનો લ્હાવો પણ લઇ શકાય છે : બૌધ્ધ મઠો તથા સ્તૂપને કારણે આધ્યાત્મિક અધ્યયન અને ધ્યાન દ્વારા માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છેઃ ઇકો ટુરીઝમનું ઉત્તમ ઉદાહરણ

રાજકોટ તા. ૭ :.. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ટુરીઝમ ઇન્ડસ્ટ્રી દિવસે - દિવસે ખૂબ મોટી થતી જાય છે. દેશ - વિદેશમાં ફરવાની સાથે સાથે અલગ - અલગ વોટર સ્પોર્ટસ, એડવેન્ચર ઇવેન્ટસ, આઇસ ઇવેન્ટસ (બરફની રમતો) વિગેરેનું આકર્ષણ પણ લોકોમાં સતત વધતું જાય છે. 'એડવેન્ચર ટુરીઝમ' (સાહસિક પર્યટન)ના શોખીનો માટે પેરાગ્લાઇડીંગ કરવાનો અનેરો લ્હાવો બીર-બિલિંગ ખાતે લઇ શકાય છે. હિમાચલ પ્રદેશમાં આવેલ બીર-બિલીંગને ભારત દેશનું 'પેરાગ્લાઇડીંગ કેપીટલ' કહીએ તો પણ ખોટું નથી.

ઇ. સ. ર૦૧પ માં જયારે ભારતમાં સૌ પ્રથમ વખત પેરાગ્લાઇડીંગ વિશ્વ કપનું આયોજન થયું ત્યારથી બીર-બિલિંગનું મહત્વ સાહસિક પર્યટનના શોખીનો અને રોમાંચ પસંદ કરવા વાળા લોકોમાં ખૂબ વધી ગયું છે. હિમાચલ પ્રદેશની ધૌલધાર પર્વતમાળામાં  આવેલ બીર-બિલિંગને દુનિયાની ચોથા નંબરની સૌથી સારી પેરાગ્લાઇડીંગ સાઇટ માનવામાં આવે છે. દુનિયાના ખૂણે - ખૂણેથી લોકો અહીં આસમાનમાંથી  જમીનની સુંદરતાને જોવા માટે અહીં આવે છે. આ કારણે જોગીંદરઘાટીના પશ્ચિમ ભાગમાં આવેલ બીર-બિલીંગ જેવી નાની જગ્યા વૈશ્વિક પર્યટનના રૂપમાં ઉભરી આવી છે. છેલ્લા ત્રણ-ચાર વર્ષમાં અહીં દેશ-વિદેશના પર્યટકોની સંખ્યામાં ઘણો વધારો થયેલો જોવા મળે છે.

દુનિયાના જાણીતા ટ્રાવેલ બ્લોગર સંજય શેફર્ડ જણાવે છે કે બિલિંગ પેરાગ્લાઇડીંગ માટે ટેક ઓફ સાઇટ છે તથા બીર લેન્ડીંગ સાઇટ છે. એટલે તેને સામૂહિકરૂપથી 'બીર-બિલિંગ' નામથી ઓળખવામાં આવે છે. આ જગ્યાના વધતા મહત્વને કારણે હિમાચલ પ્રદેશ સરકાર આ જગ્યા ઉપર એક પેરાગ્લાઇડીંગ સેન્ટર બનાવવા જઇ રહી છે અને રાજયમાં પેરાગ્લાઇડીંગ સ્કુલ ખોલવાની વાતો પણ જોરશોરથી ચર્ચાઇ રહી છે. ઇ. સ. ર૦૧૪ માં 'બીર-બિલિંગ' ની મુલાકાત લેનાર સંજય શેફર્ડના કહેવા મુજબ ર૦૧પ પછી અહીં સાહસિક પર્યટનના શોખીનો અને જીંદગીમાં રોમાંચ પસંદ કરવાવાળા લોકોનું આકર્ષણ ખૂબ વધ્યું છે.

અહીં પેરાગ્લાઇડીંગ ઉપરાંત ટ્રેકીંગ, બંજી જમ્પીંગનો પણ ભરપુર લાભ ઉઠાવી શકાય છે. ઇકો ટુરીઝમ માટેનું પણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. અહીં આધ્યાત્મિક અધ્યયન માટે પણ લોકો આવતા હોય છે. બીર ખાતે ઘણા બધા બૌધ્ધ મઠો તથા એક મોટો સ્તૂપ અને તિબેટના શરણાર્થીઓના ઘર આવેલા છે. અહીં માનસિક શાંતિ માટે લોકો આધ્યાત્મિક અધ્યયન અને ધ્યાનનો સહારો પણ લેતા જોવા મળે છે. ઇ. સ. ૧૯૬ર માં ચીનના આક્રમણથી ભયભીત થઇને અહીં શરણ લેવાના હેતુથી આ તિબેટ કોલોની  વસી હતી. બીર-બિલીંગ જઇએ તો આ તિબેટ કોલોની જોવા ખાસ જવું તેવું પણ સંજય શેફર્ડ કહી રહ્યા છે.

'બીર-બિલિંગ' પહોંચવું કઇ રીતે?

પ્લેન, ટ્રેન કે પછી બાય રોડ બીર - બિલિંગ જઇ શકાય છે. સૌથી નજીકનું એરપોર્ટ ગગલ છે અને નજીકનું રેલ્વે સ્ટેશન પેપરોલ છે. બાય રોડ જઇએ તો બીર - બિલિંગ ગગલથી ૬૮ કિ. મી. તથા ધરમશાળાથી પ૦ કિ.મી. જેટલું થાય છે. અહીં રહેવા માટે બજેટને અનુરૂપ ઘણા બધા ગેસ્ટ હાઉસ પણ આવેલા છે.

(3:31 pm IST)