Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

આજથી ઉલ્કાવર્ષા શરૂ : ૧૬ મી સુધી આકાશ લીસોટાઓથી ચમકતુ રહેશે

રાજકોટ તા. ૭ : વર્ષ ૨૦૨૦ ના આખરી દિવસોમાં ઉલ્કા વર્ષાનો નજારો માણવા મળશે. આજથી ૧૬ ડીસેમ્બર સુધી તેજ લીસોટાઓથી આકાશ છવાયેલુ રહેશે. જેમીનીડીસ ઉલ્કા નિહાળવા ખગોળપ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૩ અને ૧૪ ડીસેમ્બરે મહત્તમ ઉલ્કાઓ ખરતી જોવા મળશે. આ માટે મધ્યરાત્રીથી વહેલી પરોઢ સુધીનો સમય શ્રેષ્ઠ ગણાય છે.

દરમિયાન ભારત જન વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની યાદીમાં જણાવ્યા મુજબ આ જેમીનીડસ ઉલ્કા છે. જે સ્વચ્છ આકાશમાં નરી આંખે પણ જોઇ શકાશે. મોટે ભાગે વહેલી પરોઢે ઉલ્કા વધુ જોવા મળશે. એમાય તા. ૧૩ અને ૧૪ ના તો આખા આકાશમાં આતશબાજી જેવો માહોલ જામશે. જેમીનીડસ ખરતા તારાનું નિર્માણ ૩૨૦૦ ફાયેથોન તરીકે ઓળખાતા નાના ગ્રહોના ટુકડામાંથી થયુ  હોય છે.

સદીઓ વીતતા નાના ગ્રહો ઉપગ્રહમાં ફેરવાય જાય છે. ઉલ્કા જયારે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે ત્યારે તેને મેટીયોર ઉલ્કા તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા તેજ ગતિથી જમીન તરફ સરકે છે અને સળગી ઉઠે છે.દુરબીન, ફાયરબોલ ફોટોગ્રાફી, ડીઝીટલ વિડીયોગ્રાફીથી આનો રસપૂર્ણ અભ્યાસ થઇ શકે છે. ખગોળપ્રેમીઓએ આ અવકાશી નજારાનો અચુક લાભ લેવા અને વધુ માર્ગદર્શન માટે મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ ઉપર સંપર્ક કરવા જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે.

(11:39 am IST)