Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

ફાઇઝર બાદ સીરમ ઇન્સ્ટિટયૂટે 'કોવિશીલ્ડ'ના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી

સીરમ ઇન્સ્ટિટયૂટે મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યકતાઓ અને વ્યાપક સ્તર પર જનતાના : હિતનો હવાલો આપતા DCGIને કોવિશીલ્ડ વેકસીનને મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો

નવી દિલ્હી તા. ૭ : દેશમાં કોરોનાના વધતા કેસોની વચ્ચે કોરોના વાયરસ વેકસીનને લઈને અગત્યની જાણકારી મળી રહી છે. અહેવાલ છે કે ફાઇઝર બાદ હવે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ પણ પોતાની કોવિશીલ્ડ વેકસીનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી માંગી છે. આ પગલાં સાથે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની સમક્ષ અરજી કરનારી પહેલી સ્વદેશી કંપની બની ગઈ છે

અહેવાલ છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ મહામારી દરમિયાન ચિકિત્સા આવશ્યકતાઓ અને વ્યાપક સ્તર પર જનતાના હિતનો હવાલો આપતા DCGIને કોવિશીલ્ડ વેકસીનને મંજૂરી આપવા માટે અનુરોધ કર્યો છે. નોંધનીય છે કે આ પહેલા શનિવારે અમેરિકાની દવા નિર્માતા કંપની ફાઇઝરના ભારતીય યૂનિટે કોરોના વેકસીનના ઇમરજન્સી ઉપયોગની ઔપચારિક મંજૂરી માટે અરજી કરી હતી.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ DCGIમાં અરજી દરમિયાન હવાલો આપ્યો છે કે કલીનિકલ પરીક્ષણના ચાર ડેટાથી આ જાણકારી મળી છે કે કોવિશીલ્ડ વેકસીન ગંભીર લક્ષણવાળા કોરોના દર્દીઓની સારવારમાં ઘણી પ્રભાવકારી સાબિત થઇ છે. SIIએ જણાવ્યું કે ચારમાંથી બે પરીક્ષણ ડેટા બ્રિટન જયારે એક ભારત અને એક બ્રાઝિલથી સંબંધિત છે.

નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલા પહેલા જ કોવિશીલ્ડ વેકસીનને લઈ મોટો દાવો કરી ચૂકયા છે. પૂનાવાલાએ કહ્યું છે કે કોરોના વેકસીન કોવિશીલ્ડ પરીક્ષણમાં ૯૦ ટકા સુધી અસરદાર સાબિત થઈ છે

વેકસીનને લઈ જે પ્રકારની જાણકારી સામે આવવા લાગી છે તેને જોયા બાદ અમે કહી શકીએ છીએ કે વેકસીન જલ્દીથી લોકો સુધી ઉપલબ્ધ થઈ જશે. તેઓએ એવો પણ દાવો કર્યો હતો કે એસ્ટ્રાજેનેકાથી ૧૦ કરોડ ડોઝની સમજૂતી કરવામાં આવી છે.

(9:45 am IST)