Gujarati News

Gujarati News

News of Monday, 7th December 2020

કાલે ભારત બંધનું એલાનઃ ૧૧ પક્ષોનું ખેડૂતોને સમર્થન

ખેડૂતોના આંદોલનનો આજે ૧૨મો દિવસઃ ભારત બંધના એલાનને કોંગ્રેસ, સપા, બસપા, ડીએમકે, આપ, તૃણમૂલ સહિતના પક્ષોનું સમર્થનઃ ૧૦ ટ્રેડ યુનિયનોએ પણ ટેકો જાહેર કર્યોઃ દેશના અનેક રાજ્યોમાં બંધના મિશ્ર પ્રતિભાવો જોવા મળે તેવી શકયતાઃ કોંગ્રેસ જિલ્લા મથકોએ દેખાવો કરશેઃ સરકાર કૃષિ કાયદા પાછા ખેંચવાના મૂડમાં નથી

નવી દિલ્હી, તા. ૭ :. કૃષિ કાનૂન વિરૂદ્ધ આંદોલન કરી રહેલા ખેડૂતોએ આવતીકાલે આપેલા ભારત બંધને કોંગ્રેસ, ડીએમકે, આપ, બસપા અને ટીઆરએસ દ્વારા પણ સમર્થન આપવાનું એલાન કરવામાં આવ્યુ છે. અત્યાર સુધીમાં ૧૧થી વધુ વિપક્ષો અને ૧૦ ટ્રેડ યુનિયનોએ ભારત બંધનું સમર્થન કર્યુ છે.

સ્વરાજ ઈન્ડીયાના વડા યોગેન્દ્ર યાદવે કહ્યુ છે કે આવતીકાલે સવારથી સાંજ સુધી ભારત બંધ રહેશે. બપોરે ૩ વાગ્યા સુધી ચક્કાજામ રહેશે. દૂધ, ફળ, તથા ભાકભાજી પર પ્રતિબંધ રહેશે. લગ્નો અને ઈમરજન્સી સેવા પર કોઈ પ્રતિબંધ નહિ ફરમાવાઈ. વિપક્ષોએ સંયુકત નિવેદન જારી કરી જણાવ્યુ છે કે સંસદમાં વોટીંગ કે ચર્ચા વગર ઉતાવળે પાસ કરાયાના કૃષિ કાનૂન ભારતની ખાદ્ય સુરક્ષા માટે ખતરો છે જે ખેડૂતો અને ખેતીને તબાહ કરી દેશે.

કેન્દ્ર સરકારને લોકતાંત્રીક પ્રક્રિયાનું પાલન કરી ખેડૂતોની માંગણી માની લેવી જોઈએ. નિવેદન પર સોનિયા ગાંધી, શરદ પવાર, સિતારામ યેચુરી, ફારૂક અબ્દુલ્લા, અખિલેશ યાદવ વગેરેના હસ્તાક્ષર છે. કોંગ્રેસના પ્રવકતા પવન ખેડાએ કહ્યુ છે કે ખેડૂતોના સમર્થનમા કોંગ્રેસ તમામ જિલ્લા તથા રાજ્યના વડા મથકો પર દેખાવો કરશે અને ભારત બંધની સફળતા સુનિશ્ચિત કરશે. ડીએમકેના પ્રમુખ સ્ટેલીને કહ્યુ છે કે ખેડૂતોની માંગણી વ્યાજબી છે. દિલ્હીમાં ઓટો ટેકસી યુનિયને ભારત બંધનું સમર્થન કર્યુ છે. તૃણમૂલ દ્વારા પણ ખેડૂતોના આંદોલનને સમર્થન જાહેર કરવામાં આવ્યુ છે. હરીયાણા પેટ્રોલ-ડીઝલ એસો.એ પણ ટેકો આપ્યો છે.

દરમિયાન સંઘ સાથે જોડાયેલા ભારતીય કિસાન સંઘે આવતીકાલના ભારત બંધથી અંતર રાખ્યુ છે. આ દરમિયાન કૃષિ રાજ્યમંત્રી કૈલાશ ચૌધરીએ કહ્યુ છે કે ત્રણેય કૃષિ કાનૂન ખેડૂતોના હક્કમાં છે તે પરત નહિ ખેંચાય. જો જરૂર બનશે તો સરકાર કેટલીક માંગણીઓ માટે તેમા ફેરફાર કરશે. દેશના વાસ્તવિક ખેડૂતો આ કાયદાથી ચિંતિત નથી અને ખેતરોમાં કામ કરે છે. કેટલાક પક્ષોએ ભારતીય ફાયદા માટે આંદોલન કરી રહેલાઓને લાલચ આપી છે. લોકોએ લાલચમાં આવવુ ન જોઈએ.

(11:06 am IST)